Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજ્યમાં દર વર્ષે પાંચ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવશે: સુરતના રૂંઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે LIG યોજનાના ૨૦૮ આવાસોનું લોકાર્પણ

રાજ્ય સરકાર ઉજ્જ્વલા યોજના-૨.૦ હેઠળ રાજ્યના વધુ ૧૦ લાખ પરિવારોને ગેસ કનેક્શન આપશે:સુરતમાં 'મુખ્યમંત્રી આવાસ યોજના' હેઠળ સૌથી વધુ મકાનો નિર્માણ પામ્યા :LIG યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવી અર્પણ: મુખ્યમંત્રીએ આવાસની મુલાકાત લઈ વિવિધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું :બાંધકામ મટીરીયલ ખુબ મોંઘુ થવાં છતાં લાભાર્થીઓને મૂળ કિંમતે મકાનો મળે એની રાજ્ય સરકારે દરકાર લીધી: ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા:આવાસોને મહિલાઓ સાથે જોડીને વ્યાજરાહત, સબસીડી મળે તેની અમે કાળજી લીધી: ગ્રામ ગૃહનિર્માણ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ:ઓછી આવક જૂથ યોજનાના લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું: ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઈ બેરા

સુરત :''રાજ્યમાં દર વર્ષે પાંચ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવશે, સાથોસાથ રાજ્ય સરકાર ઉજ્જ્વલા યોજના-૨.૦ હેઠળ રાજ્યના વધુ ૧૦ લાખ પરિવારોને ગેસ કનેક્શન આપશે'' એમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના મજુરા તાલુકાના રૂંઢ વિસ્તારમાં ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડ દ્વારા રૂા.૨૬.૪૮ કરોડના ખર્ચે LIG યોજનાના અંદાજે ૨૦૮ નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ LIG યોજના હેઠળ સમાવિષ્ટ આર્થિક રીતે નબળા વર્ગના લાભાર્થીઓના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરતાં ૨૦૮ મકાનોની ચાવીઓ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ આવાસની મુલાકાત લઈ વિવિધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ઉપક્રમે આયોજિત આવાસ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 'ઘરનું ઘર' એ સામાન્ય માનવીનું સ્વપ્ન હોય છે. રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું આ શમણું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. માત્ર આવાસો જ નહીં, પણ લોકોની રોજી રોટીની પણ ખેવના રાખી છે. શહેરની જમીનોના ભાવ કૂદકે ને ભૂસકે વધવા છતાં લોકોને પરવડે તેવા દરોમાં આવાસ યોજનાનો લાભ સામાન્ય જન સુધી પહોંચે એ આ સરકારની નેમ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નિર્માણ પામેલા અને ભવિષ્યમાં સાકાર થનાર આવાસોમાં પાણી, લિફ્ટ, ફાયર સેફટી, ભૂગર્ભ ગટર, પાર્કિંગ સહિતની પાયાની જરૂરી સવલતો ઉપલબ્ધ હોય એનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. 'કહેવું તે કરવું'ના ખુમારીભર્યા લક્ષ્યથી રાજ્ય સરકારે ચોમેર વિકાસકામોને વેગવાન બનાવ્યાં છે એમ તેમણે ઉમેર્યું હતું.
  ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારી અતિ આવશ્યક હોવાનું જણાવતાં તેમણે એમ પણ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૌને 'રોટી, કપડાં અને મકાન'ની વિભાવનાને સાર્થક કરતાં રાજ્ય સરકારે ગુજરાતે વિકાસ અભિમુખ અભિગમ સાથે વિકાસની રફતાર તેજ રાખી છે. છેલ્લાં ૭ વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સેંકડો ગરીબલક્ષી યોજના અમલી બનાવી છે. ગુજરાતમાં ૭૦ લાખ પરિવારનો પેટનો ખાડો પૂરવા અને કોઈ ભૂખ્યું ન સુએ એ માટે અન્ન વિતરણ કર્યું છે. ગરીબોના બેંક ખાતામાં જ સીધી સહાયથી વચેટિયા પ્રથા નાબૂદ થઈ છે અને હવે પ્રજાને તેમના હકના પૂરા નાણા આપવાની પારદર્શક વ્યવસ્થા ઊભી થઈ હોવાનું મુખ્યમંત્રીએ સગૌરવ જણાવ્યું હતું.  
  ભૂતકાળની સરકારોના દિશાવિહીન શાસનનું ઉદાહરણ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, 'ગરીબી હટાવો' જેવા પોકળ નારાઓ કે માત્ર આવાસ યોજનાના ફોર્મ છપાવીને વિતરણ કરવાથી જનતાનો વિશ્વાસ જીતી શકાતો નથી. ચૂંટણી ટાણે ગરીબોને આવાસોની લાલચ આપીને ગરીબોની મજાક કરનારા લોકોથી જનતા સુપરિચિત છે. હવે અમારી ભાજપા સરકારે અશક્યને શક્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે. અનિર્ણાયકતા વિકાસને રૂંધે છે. ઝડપી નિર્ણયોથી જ વિકાસ શક્ય છે. રાજ્ય સરકારે ધડાધડ નિર્ણયો કરીને પ્રજાહિતની પ્રતીતિ કરાવી છે.
  સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરતે શહેરીકરણ, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરીને અનેકવિધ એવોર્ડ હાંસલ કરી નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. સુરત શહેરે મુખ્યમંત્રી આવાસ યોજનામાં સૌથી વધુ મકાનોનું નિર્માણ કર્યું છે. અનેકવિધ વિકાસકાર્યોથી સુરત ખુબસુરત બન્યું છે. સુરત વિશ્વ કક્ષાનું શહેર બને એ માટે ડ્રીમ સિટી, મેટ્રો, સુરત ડાયમંડ બુર્સ, નવું અત્યાધુનિક રેલવે સ્ટેશન, રિવર ફ્રન્ટ, તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ થાય એ દિશામાં સુનિયોજિત કાર્ય થઈ રહ્યું હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
 આ વેળાએ આવાસ મેળવનાર લાભાર્થીઓને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ  નવા આવાસો પરિવારની સુખ શાંતિ માટે ફળદાયી નીવડે એવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા જરૂરિયાતવાળા વિસ્તારોમાં સર્વે કરી સરકારી જમીન ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં સરકારી જમીન મેળવી વ્યાજબી કિંમતે આવાસો બનાવવા ઉપરાંત ખાનગી જમીન પણ વેચાણ દસ્તાવેજથી ખરીદીને આવાસો બનાવી ઓછી આવક ધરાવતાં તેમજ વિવિધ કેટેગરીના જરૂરિયાતમંદ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને છત્ર પૂરું પાડ્યું છે. હાલના દિવસોમાં બાંધકામ મટીરીયલ ખુબ મોંઘુ થવાં છતાં પણ લાભાર્થીઓને નિયત મૂળ કિંમતે મકાનો મળી રહે એની સતત દરકાર લીધી હોવાનું જણાવતાં મંત્રીએ લાભાર્થીઓને ઘરનું ઘર મળવા બદલ શુભેચ્છાઓ આપી હતી.
 પ્રાસંગિક સંબોધન કરતાં ગ્રામ ગૃહનિર્માણ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે, સુરતના રૂંઢ જેવા પોશ અને પ્રાઈમ લોકેશનમાં અને એ પણ પોષાય તેવી કિંમતમાં ઉપલબ્ધ કરાવવું એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અમારી સરકાર જ શક્ય કરી શકે. આવાસોને મહિલાઓ સાથે જોડીને વ્યાજરાહત, સબસીડી મળે તેની પણ કાળજી લીધી છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨,૮૨,૦૬૫ આવાસો નિર્માણ પામ્યા હોવાનું જણાવતાં સરકાર નવા આવાસોથી હજુ પણ અન્ય લાભાર્થીઓને છત્ર પૂરૂ પાડવા પ્રતિબદ્ધ છે. આઝાદીના અમૃત્ત મહોત્સવ ના અવસરે ભારતને વિશ્વગુરૂ બનાવવામાં ગુજરાતીઓ ઉન્નત મસ્તક રાખી અગ્રીમ સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
  પ્રારંભે સ્વાગત પ્રવચન કરતાં ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રૂંઢમાં સોનાની લગડી સમાન જમીન પર નિર્મિત આવાસોથી ઓછી આવક જૂથ યોજનાના લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે પાઈલોટ પ્રોજેક્ટ અન્વયે ૫૦૪ એલ.આઈ.જી. આવાસો પૂર્ણતાના આરે છે. કોરોના મહામારીમાં ઝડપભેર બાંધકામ પૂર્ણ થયું એનો પણ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
  સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશનો દરેક નાગરિક આવાસીય સુવિધા મેળવે એ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત કાર્યરત હોવાનું જણાવતાં કથની અને કરણીમાં પ્રમાણિકતા રાખીને રાજ્ય સરકારે લોકોનો પ્રેમ સંપાદન કર્યો છે. તેમણે લાભાર્થીઓને પોતાના આવાસોની જાળવણી, દેખરેખ અને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.              
 ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના સચિવ રાજેશ કુચારાએ આભારવિધિ આટોપી હતી.
  આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, ધારાસભ્ય સર્વ વી.ડી.ઝાલાવાડીયા, ઝંખનાબેન પટેલ, મોહનભાઈ ઢોડીયા, વિવેક પટેલ, મુકેશભાઈ પટેલ, કાંતિ બલર, પ્રવિણ ઘોઘારી, જિલ્લા કલેકટર આયુષ ઓક, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા. મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, પોલીસ કમિશનર અજય તોમર, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સંદિપ દેસાઈ, વિકાસ કમિશનર સંદીપકુમાર, હાઉસીંગ કમિશનર એચ.બી.શેઠ, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના વહિવટી અધિકારી એમ.બી.રાવ સહિત સુડાના અધિકારીઓ, શહેરીજનો તેમજ LIG યોજના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(11:26 pm IST)