Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

લાપત્તા માજીદની ભાળ માટે શોધયાત્રાને બહાલી ન મળી

મુસ્લિમ આગેવાનોએ શાહપુરમાં બેઠક યોજી : પોલીસની મંજૂરી ન મળતાં ભુજમાં દલિત મુસ્લિમ એકતા મંચનાં નેજા હેઠળ જંગી જનસંમેલન યોજવા માટે તૈયારી

અમદાવાદ,તા.૨૭ : ભુજના સ્થાનિક યુવક માજીદ થેબાને તપાસના બહાને પોલીસે બોલાવ્યા બાદ રહસ્યમય સંજોગોમાં તે ગુમ થઇ જતાં હવે સમગ્ર મામલો વિવાદના વમળમાં ફસાયો છે. માજીદની શોધખોળ અને ભાળ મેળવવાની માંગણી સાથે દલિત મુસ્લિમ એકતા મંચ દ્વારા અમદાવાદથી ભુજ સુધીની પદયાત્રાનું આયોજન કરી આ માટે પોલીસ તરફથી મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ પદયાત્રાને મંજૂરી આપી ન હતી, જેને કારણે આ શોધયાત્રા રદ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે આગામી દિવસોમાં ભુજમાં જ દલિત મુસ્લિમ એકતા મંચ દ્વારા વિશાળ જનસંમેલન યોજવાની તૈયારીઓ હાથ ધરાઇ છે. ભુજના માજીદ થેબા નામના મુસ્લિમ યુવાનને તાજેતરમાં એક કેસની તપાસ માટે બોલાવી પોલીસે ઢોર માર માર્યો, એટલું જ નહીં તેની ગર્ભવતી પત્નીને પણ માર મારવામાં આવ્યો હતો. છેલ્લા એકાદ મહિનાથી માજીદની કોઈ ભાળ મળી નથી અને તેથી આ મામલાને લઇ હવે રહસ્યના અનેક તાણાવાણાં સર્જાયા છે. માજીદની શોધખોળ અને ભાળ મેળવવા આ મુદ્દાને ઉજાગર કરી દલિત મુસ્લિમ એકતા મંચે અમદાવાદથી ભુજ સુધીની પદયાત્રા નું આયોજન કર્યું હતું પણ પોલીસ તરફથી તેને મંજૂરી અપાઇ ન હતી, જેને પગલે આખરે માજીદ શોધયાત્રા રદ કરવી પડી હતી. બીજીબાજુ, માજીદ શોધયાત્રાને પગલે ગઇકાલે રખિયાલમાં રક્ષાબઁધનના દિવસે જડબેસલાક પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. તો, મુસ્લિમ યુવા નેતાઓએ શાહપુર હોજ પાસે મીટીંગ યોજી હતી. આ બેઠકમાં દલિત મુસ્લિમ એકતા મંચના સ્ટેટ કન્વીનર અબ્દુલ અહદ શેખે સરકાર અને પોલીસની આકરી કરતાં જણાવ્યું હતું કે, આજે લવજેહાદ અને ગાયના નામે નિર્દોષોને માર મારવામાં આવી રહ્યો છે. હવે દેશમાં સાવરકરની વિચારધારાને નહીં પણ ગાંધીજીની વિચારધારા અને બાબાસાહેબના બઁધારણની રક્ષા કરવી જરૂરી બની ગયુ છે.દેશના બંધારણને સુરક્ષિત રાખવું પડશે. દલિત-મુસ્લિમ સહિત તમામ સમાજોએ આ લડાઇમાં એક થવું પડશે અને દેશને વિભાજીત કરનારા તત્વો સામે લડવું પડશે. આગામી દિવસોમાં હવે આ સમગ્ર મામલે ભુજમાં વિશાળ જનસંમેલન યોજવામાં આવશે. જેમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં જોડાવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

(8:17 pm IST)