Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

નર્મદાના માંડણ ગામમાં પ્રવાસીઓ માટે અચાનક નો એન્ટ્રીનું બોર્ડ મારતા નારાજગી

તાલુકા પ્રાંત અધિકારી કે.ડી.ભગતે કહ્યું કે આ બોર્ડ અમે માર્યું નથી, ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ બોર્ડ માર્યું કોણે હશે.

નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર છે.ચોમાસાની ઋતુમાં જિલ્લાના પહાડી વિસ્તારોમાં આપો આપ ઝરણાઓ વહેવા માંડે છે.હાલ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામના કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળ પર વધુ પ્રવાસીઓ આવી રહ્યાં છે.ત્યારે એકા એક માંડણ ગામમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ મારતા પ્રવાસીઓમાં નારાજગી છવાઈ છે.આ બાબતે નાંદોદ તાલુકા પ્રાંત અધિકારી કે.ડી.ભગતે જણાવ્યું હતું કે આ બોર્ડ અમે માર્યું નથી, ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ બોર્ડ માર્યું કોણે હશે.

માંડણ ગામમાં મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ પાસેથી સ્થાનિક ગ્રામજનો વાહન દીઠ ચાર્જ ઉઘરાવતા વિવાદ થયો હતો.તો બીજી બાજુ માંડણ ગ્રામજનો એમ જણાવી રહ્યાં હતાં કે અમે એ પૈસાથી પ્રવાસીઓ માટે શૌચાલયો ઉભા કર્યા છે, રસ્તાઓની કામગીરી કરી રહ્યાં છે તો સાથે સાથે એ વિસ્તારની સાફસફાઈ પણ કરી રહ્યાં છે.

જો કે નાંદોદ તાલુકા પ્રાંત અધિકારી કે.ડી.ભગત સહીત અન્ય અધિકારીઓની ટીમ માંડણ ગામમાં પહોંચી હતી અને ગ્રામજનો પાસે પ્રવાસનના નામે પ્રવાસીઓ પાસેથી ઉઘરવાતી ફી મુદ્દે મંજૂરી પત્ર માંગ્યું હતું, જો કે મંજૂરી પત્ર ન મળતા પ્રાંત અધિકારીએ ગ્રામજનોને પ્રવાસીઓ પાસેથી ફી ન ઉઘરાવવા સૂચના આપતા હાજર સરકારી અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે શાબ્દિક ટપા ટપી પણ થઈ હતી.

આ તમામની વચ્ચે માંડણ ગામમાં પ્રવાસીઓએ પ્રવેશવું નહિ એવું બોર્ડ મારી દેતા પ્રવાસીઓમાં ભારે નારાજગી છવાઈ છે.એ બોર્ડમાં જણાવ્યા મુજબ માંડણ (ગાડીત) ગામ કરજણ જળાશયનો સંપાદિત વિસ્તાર છે અને વન વિભાગનો વિસ્તાર છે.જેથી પ્રવાસીઓએ પોતાનું વાહન આ ગામમાં લઈ આવવું નહિ.પર્યટક સ્થળ બાબતે કોઈ કાયદાકિય મંજૂરી મળી નથી જેથી કોઈ પણ વ્યક્તિએ પોતાની નાવડી પ્રવાસીઓના હેરફેર માટે ઉપયોગ કરવી નહિ તથા કોઈ પણ પ્રવાસી પાસે આ બાબતે ફી લેવી નહિ સાથે સાથે પાર્કિંગ ફી પણ કોઈએ ઉઘરાવવી નહિ.આ સૂચનાઓનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(7:31 pm IST)