Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ક્રૂઝમાં ગોવા લઈ જવાનું કહીં ટૂર ઓપરેટર સહિત 400 લોકો સાથે 57 લાખની છેતરપીંડી

એજન્ટે ચેન્નઈથી મુંબઈ પ્લેનમાં અને મુંબઈથી ગોવા ક્રૂઝમાં મોકલવાના નામે વ્યક્તિદીઠ 25 હજાર રૂપિયા લઈ લીધા હતા

અમદાવાદ:ક્રૂઝમાં ગોવા લઈ જવાની વાત કરી અમદાવાદના ટૂર ઓપરેટર સહિત 400 લોકો સાથે 57 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એજન્ટે ચેન્નઈથી મુંબઈ પ્લેનમાં અને મુંબઈથી ગોવા ક્રૂઝમાં મોકલવાના નામે વ્યક્તિદીઠ 25 હજાર રૂપિયા લઈ લીધા હતા. 

ખોખરાના પરિષ્કાર-રમાં રહેતા ઇલાંગો મુદલિયારે બે વ્યક્તિઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ઇલાંગો નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે ટ્રાવેલ્સ હોલિડેઝ નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વેપાર કરે છે. વર્ષ 2021માં ઇલાંગો અને તેનો મિત્ર હસુભાઈ પટેલ ગોવા ગયા હતા. તે વખતે હસુભાઈના મિત્ર ‌જિગરભાઈ પટેલ સાથે મુલાકાત થઈ હતી. તે વખતે જિગરે ઇલાંગોને કહ્યું હતું કે હું જોજો બસના નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરું છું અને મારું ક્રૂઝ સુરતથી દમણ જાય છે. તેઓ આમ કહીને એકબીજાના વધુ પરિચયમાં આવ્યા હતા.

 

થોડા દિવસ પહેલાં ઇલાંગોએ ‌જિગરને ફોન કરીને કહ્યું હતું કે ચેન્નઈ ખાતે રહેતા મારા મિત્ર પી. સરવણ અને તેમના 400 માણસોને ચેન્નઈથી ગોવા ક્રૂઝમાં જવું છે તો આપણે ચેન્નઈ મળવા જઈએ તેવી વાત કરી હતી.

 

જિગર અને ઇલાંગો બંને પી. સરવણને મળવા ગયા હતા. જ્યાં પી. સરવણે જિગરને કહ્યું હતું કે મારે 400 માણસોને ચેન્નઈથી ગોવા મોકલવાના છે તો તમે તમારું ક્રૂઝ ચેન્નઈ મોકલી આપશો? તેણે આમ કહેતાં જિગરે કહ્યું હતું કે હું તમારા માણસોને ચેન્નઈથી મુંબઈ પ્લેન દ્વારા લઈ જઈશ અને ત્યાંથી મારા ક્રૂઝમાં ગોવા મોકલી દઈશ તેમજ પરત પણ મોકલી દઈશ, પરંતુ વ્યક્તિદીઠ 25 હજાર જેટલો ખર્ચ થશે તેમ કહેતાં પી. સરવણે હા પાડી હતી.

 

થોડા દિવસ પહેલાં જિગર પટેલ અને તેમના મિત્રોએ ઇલાંગોને ફોન કરીને કહ્યું હતું કે જે માણસોને મોકલવાના છે તેમના ટોકન પેટે નવ લાખ રૂપિયા આપવા પડશે. આથી અમુક રૂપિયા ઇલાંગોએ ‌જિગરને ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ થોડા દિવસ પછી ફરી ફોન કરીને કહ્યું હતું કે જો તમારા માણસોને જલદી મોકલવાના હોય તો રૂપિયા જલદી આપો, નહીંતર ક્રૂઝ નીકળી જશે. આમ, ઇલાંગોએ ટુકડે ટુકડે ‌જિગર અને તેના સાથીદારોને 57 લાખ રૂપિયા આપી દીધા હતા.

 

થોડા દિવસ પછી જિગરની ઓફિસ પર ઇલાંગો ગયો હતો. ઇલાંગોએ કહ્યું હતું કે અમે તમને જે પૈસા આપ્યા હતા તે તમે ક્રૂઝમાં ભર્યા નથી એટલે કંપનીમાંથી કનફર્મેશન લેટર લાવી આપો. ત્યાર બાદ બાકીના રૂપિયા આપીશું, જોકે ‌જિગરે અને તેના સાથીદારોએ કોઈ લેટર ઇલાંગોને આપ્યો ન હતો અને ક્રૂઝમાં ગોવા પણ લઇ ગયા ન હતા. ત્યાર બાદ ‌જિગર અને તેના સાથીદારોએ સમાધાન કરવાની વાત કરી હતી. આથી ‌જિગર અને તેના સાથીદારોએ ઇલાંગો અને તેના મિત્ર પી. સરવણ તેમજ તેમના 400 માણસોને ક્રૂઝમાં ગોવા લઇ જવાના બહાને 57 લાખ રૂપિયા પડાવી લીધા હતા

(12:02 am IST)