Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

૧૯૮૦માં નરેન્‍દ્રભાઇ મોદી અમદાવાદના જગન્નાથજી મંદિરમાં સમય વિતાવતાઃ નાની ઓરડીમાં રહેતા હતા

અમદાવાદ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા પછી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા. ખાનુપર કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જૂના સંસ્મરણો યાદ કર્યા. જોકે આ પ્રસંગે તેઓ ગુજરાતના તમામ લોકોનો આભાર માનવાનું ચૂક્યા ન હતા. ગુજરાતમાં અનેક સ્થળોએ પીએમ મોદીની બાળપણ, યુવાનીકાળ તથા આરએસએસના કાર્યકર્તા તરીકે અનેક સ્થળોએ મીઠી યાદ બનાવી છે. તેમાનું એક છે અમદાવાદનું જગન્નાથ મંદિર. અમદાવાદના ખાનપુર કાર્યાલય સાથે નરેન્દ્ર મોદીની જૂની યાદો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત જગન્નાથ મંદિરના એક રૂમમાં નરેન્દ્ર મોદીએ પોતાનો શરૂઆતનો સમય વીતાવ્યો હતો. નરેન્દ્ર મોદી જગન્નાથ મંદિરમાં સેવા કરતા હતા અને અહીં જ રહેતા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી કે પ્રધાનમંત્રી ન હતા ત્યારે કોઈ ફેરફાર ન થઈ હોવાનો દાવો અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કર્યો છે. જગન્નાથ મંદિર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નાતો  ઘણો જૂનો રહ્યો છે. તેઓ અહીં એક ઓરડીમાં રહ્યા હતા. આ મંદિરમાં તેઓએ પોતાનો શરૂઆતનો સમય વિતાવ્યો હતો. તેઓ આ મંદિરમાં સેવા કરતા અને આ નાનકડી ઓરડીમાં રહેતા હતા. આ સમયે તેઓ આરએસએસના સામાન્ય કાર્યકર હતા. 1980ના આસપાસનો આ સમય હતો. આ રૂમમાં આરએસએસના વિચારકોની પણ જૂની તસવીરો હજી સુધી સચવાયેલી છે.

આ રૂમ સાથે તેમની અનેક યાદો જોડાયેલી છે. આ રૂમ હજી પણ એ જ રીતે સચવાયેલો છે. આ રૂમમાં આજે પણ લાઈટબોર્ડથી માંડીને કબાટ સુધીની તમામ વસ્તુઓ જૂની છે. આરએસએસમાં કાર્યકર તરીકે યુવા નરેન્દ્ર મોદી અમદાવાદ આવતા ત્યારે આ બે ઓરડીઓ તેમનું નિવાસસ્થાન રહેતું. ગુજરાતના સાધુ-સંતો માને છે કે, ગાંધી અને સરદારની જોડી હતી એવી જ રીતે અધૂરા કામો પૂર્ણ કરવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી બની છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 30 મેનાં રોજ સાંજે 7 વાગ્યે થશે. 30 મેનાં રોજ પ્રધાનમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી પણ રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગુપ્તતાના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી અધિકારીક જાહેરાત કરી દેવામાં આવી છે. ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપેલી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદીને 30 મે સાંજે 7 વાગ્યે પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. પ્રધાનમંત્રી તરીકે બીજીવાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લેશે. આ પહેલા તેમણે ગુજરાતની મુલાકાત કરી હતી. 30 મેના રોજ શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગરના રાયસણ ખાતે ગયા હતા. તેમણે માતાને પગે લાગી આશીર્વાદ લીધા હતા. દેશના મહાનાયક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પણ મોટું કામ કરતા પહેલા માતાને મળીને આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. ગાંધીનગરમાં ભાઇના ઘરે રહેતા માતા હિરાબાને મળીને નરેન્દ્ર મોદી આશીર્વાદ લઈને માતા સાથે વાતચીત કરી મોઢું મીઠું કર્યું હતું. 2014ની ચૂંટણી જીત્યા બાદ શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી માતાને મળીને આશીર્વાદ લીધા હતા.

(5:31 pm IST)