Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

પે એન્ડ યુઝ ટોઇલેટને લઈને લોકો હવે અભિપ્રાય આપશે

કોર્પોરેશન દ્વારા કામગીરી સુધારવા ફિડબેક લેવાશે : પે એન્ડ યુઝમાં ગંદકી સહિતની શ્રેણીબદ્ધ ફરિયાદો હોય છે : અમદાવાદ કોર્પોરેશન નાગરિકોના ફિડબેક મેળવશે

અમદાવાદ,તા. ૨૭ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા જે તે વિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે પે એન્ડ યુઝ ટોઇલેટ બનાવાય છે. આ પે એન્ડ યુઝનું સંચાલન ખાનગી સંસ્થાઓ કરતી હોઇ પે એન્ડ યુઝને લગતી અનેક ફરિયાદો ઊઠે છે. પે એન્ડ યુઝની ગંદકી, વધારે લેવાતો ચાર્જ વગેરેથી લોકો અકળાઇ ઊઠે છે. જો કે, હવે નાગરિકો પાસેથી જે તે પે એન્ડ યુઝ અંગે સારું, ખરાબ કે સરેરાશના ફીડબેડ મેળવીને તંત્ર પે એન્ડ યુઝની કામગીરીને સુધારવા પર ભાર મૂકી રહ્યું છે અને આ માટે અમ્યુકો તંત્ર દ્વારા શહેરના વિવિધ પે એન્ડ યુઝ ટોઇલેટ્સમાં ફિડબેક મશીન મૂકાયા છે.  આ ફિડબેક મશીનમાં નાગરિકો તેમને જે પરિસ્થિતિ જણાય તેનો તટસ્થ અને સાચો અભિપ્રાય બટન દબાવી આપી શકશે. બાદમાં અમ્યુકો તંત્ર આ ફિડબેક મશીનો ચેક કરી નાગરિકોના અભિપ્રાયના આધારે કામગીરી વધુ સારી અને અસરકારક બનાવશે. નોંધનીય છે કે, પે એન્ડ યુઝના સંચાલનના સંદર્ભમાં અનેક કિસ્સામાં ખાનગી સંસ્થાના કર્મચારીઓ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. જે તે સુવિધાના ભાવ દર્શાવતાં બોર્ડ ન હોવાં, નિયત ચાર્જ કરતાં બમણો ચાર્જ ચૂકવીને પણ ટોઇલેટમાં પાણી કે લાઇટ ન હોવાં, સ્વચ્છતાનો પણ અભાવ તેમજ અનેક કિસ્સામાં લીકેજ સહિતની સમસ્યાના કારણે આવા પે એન્ડ યુઝનો ઉપયોગ નાગરિકો માટે દોજખનો અનુભવ કરાવનારો બને છે. જોકે હવે તંત્ર દ્વારા શહેરના પે એન્ડ યુઝમાં નાગરિકો પાસેથી ફીડબેક મેળવવા ખાસ ફીડબેક મશીન મુકાઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં રપ પે એન્ડ યુઝમાં આવા ફીડબેક મશીન મુકાઇ પણ ગયા છે. નાગરિક પાસેથી જે તે પે એન્ડ યુઝના મામલે સારું, ખરાબ કે સરેરાશ એ પ્રકારનું ફીડબેક મેળવીને તેનું તંત્ર દ્વારા મોનિટરીંગ કરાશે. નાગરિકોની ફરિયાદનું નિરાકરણ લાવવાની  સાથે જે તે કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટીવસૂલવાથી લઇ તેનો કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીનાં શિક્ષાત્મક પગલાં લેવાશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ સ્વચ્છતા સર્વેક્ષણની માર્ગદર્શિકાના આધારે આઇટીઆઇ લિમિટેડને પ્રતિ ફીડબેક મશીન રૂ.૯૪પ વત્તા ટેક્સના ભાવથી ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે. આ માટે વાર્ષિક પ૦.૧૮ લાખની મર્યાદામાં ત્રણ વર્ષની કામગીરી કરાશે.

(9:06 pm IST)