Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

મોં-ગળાનાં કેન્સર કેસ પૈકી ૮ ટકા થાઇરોઇડ કેન્સરના

થાઇરોઇડ કેન્સરના પ્રમાણમાં વધારો નોંધાયો : બે દિવસીય કોન્ફરન્સમાં થાઇરોઇડ કેન્સરનાં વધતાં કેસો ઉપર નિષ્ણાતો દ્વારા ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી

અમદાવાદ,તા. ૨૭ :  ભારતમાં દર વર્ષે કેન્સરનાં આશરે નવા ૧૨ લાખ કેસ ઊભા થાય છે, જેમાં લગભગ ૫૦ ટકા પુરુષો અને ૧૫ ટકા મહિલાઓ હેડ એન્ડ નેક કેન્સર (મેં અને ગળા)નો ભોગ બને છે. મોં અને ગળાનાં કેન્સરમાં ચોથું સૌથી વધુ સામાન્ય કેન્સર થાઇરોઇડ કેન્સર છે. ગુજરાતની મહિલાઓમાં જોવા મળતાં મોં અને ગળાનાં કેન્સરનાં ૮ ટકા કેસ થાઇરોઇડ કેન્સર સાથે સંબંધિત છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ કેન્સરનું પ્રમાણ બેથી ત્રણ ગણું વધારે જોવા મળે છે. યુવાન મહિલાઓમાં થાઇરોઇડ કેન્સરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે એમ આજે  અમદાવાદમાં કેન્સરના ઇલાજ માટે શ્રેષ્ઠ કેન્દ્ર ગણાતાં અપોલો સીબીસીસી કેન્સર કેર દ્વારા આજથી શહેરમાં યોજાયેલી બે દિવસીય થાઇરોઇડ કેન્સર કોન્ફરન્સમાં સીબીસીસીનાં મેડિકલ સર્વિસીસીનાં હેડ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનાં ચીફ કન્સલ્ટન્ટ લેફ્ટનન્ટ જનરલ ડો.વેલુ નાયર અને અપોલો સીબીસીસીનાં હેડ એન્ડ નેક કેન્સરનાં સર્જન ડો. એમ.આઈ.લક્ષ્મીધરે જણાવ્યું હતું. થાઇરોઇડ કેન્સરના મહત્વના વિષય પર આયોજિત આ બે દિવસીય કોન્ફરન્સમાં દેશભરના નામાંકિત ડોકટરો અને જાણીતી ફેકલ્ટીઓ દેશભરમાંથી ભાગ લઇ રહી છે. જેમાં મુંબઇની ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડો.દિપક અબ્રાહમ, ડો.વેંકટેશ રંગરાજન સહિતના અનેક નિષ્ણાત તબીબો પણ હાજર રહ્યા હતા. સીબીસીસીનાં મેડિકલ સર્વિસીસીનાં હેડ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનાં ચીફ કન્સલ્ટન્ટ લેફ્ટનન્ટ જનરલ ડો.વેલુ નાયર અને અપોલો સીબીસીસીનાં હેડ એન્ડ નેક કેન્સરનાં સર્જન ડો. એમ.આઈ.લક્ષ્મીધરે વધુમાં જણાવ્યુ હતું કે, બે દિવસીય કોન્ફરન્સમાં ગુજરાત સહિત દેશભરમાં થાઇરોઇડ કેન્સરનાં વધતાં કિસ્સાઓ તથા તેના નિદાન તેમ જ તેની સારવારમાં વિવિધ અત્યાધુનિક ટેકનિક વિશે ચર્ચાવિચારણા હાથ ધરાશે. થાઇરોઇડ કેન્સરના કેસો વધવાની સાથે સાથે જોકે, એની સાથે સંબંધિત મૃત્યુદર યથાવત્ જળવાઈ રહ્યો છે. આ માટે નિયમિત ચકાસણી દરમિયાન જાગૃતિમાં વધારો અને વહેલાસર નિદાન જવાબદાર છે. એપોલો સીબીસીસી કેન્સર કેર દ્વારા આયોજિત આ બે દિવસીય કોન્ફરન્સનો ઉદ્દેશ થાઇરોઇડનાં કેન્સરનાં વહેલાસર નિદાનથી થતાં લાભ વિશે જાગૃતિ લાવવાનો, મોલીક્યુલર પરીક્ષણો દ્વારા એની સાથે સંબંધિત વધારે જોખમને ઓળખવાનો તથા સાધારણ જનતામાં આ બિમારી સાથે સંબંધિત શંકાકુશંકાઓ દૂર કરવાનો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, અત્યારે ભારતમાં મોટી સંખ્યામાં કેન્સરનાં કેસો જોવા મળે છે. અત્યારે ઉપલબ્ધ તાજા આંકડા મુજબ, ભારતમાં અંદાજે ૨.૨૫ મિલિયન કેન્સરનાં દર્દીઓ છે અને દર વર્ષે ૧૨ લાખ નવા કેસ ઊભા થાય છે. કેન્સરનાં કુલ કેસોમાં મોટાં ભાગનાં કેસો હેડ એન્ડ નેક કેન્સરનાં હોય છે, જેમાં એનાં સૌથી વધુ સામાન્ય ચાર કેન્સરમાં થાઇરોઇડ કેન્સર સામેલ છે. આ કેન્સર મુખ્યત્વે યુવાન મહિલાઓમાં જોવા મળે છે. એટલે પરીક્ષણ અને મોલીક્યુલર ટેસ્ટિંગનાં અસરકારક સાધનો દ્વારા આ કેન્સરનું વહેલામાં વહેલી તકે નિદાન અને સારવાર જરૂરી છે. અપોલો સીબીસીસીનાં હેડ એન્ડ નેક કેન્સરનાં સર્જન ડો.એમ આઈ લક્ષ્મીધરે ભારપૂર્વક જણાવ્યું કે, થાઇરોઇડનાં કેન્સરની દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક બાબત છે અને વધારે ચિંતાજનક બાબત દર્દીઓમાં યુવાન મહિલાઓની સંખ્યામાં વધારો છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી પ્રાપ્ત થયેલા આંકડા દર્શાવે છે કે, છેલ્લાં ૧૦ વર્ષમાં થાઇરોઇડ કેન્સરનાં કેસોમાં લગભગ ૧૦ ગણો વધારો થયો છે. થાઇરોઇડ કેન્સર અલગ-અલગ રીતે જોવા મળે છે, કેટલાંક કિસ્સામાં અત્યંત નિષ્ક્રિય હોય છે, તો કેટલાંક કિસ્સાઓમાં એમાં ઝડપથી વધારો થાય છે. મોલીક્યુલર માર્કર્સનો ઉપયોગ કરવાથી આ બંને અંતિમ વચ્ચે સ્પષ્ટ તફાવતની જાણકારી મેળવવામાં મદદ મળે છે, જેથી એ મુજબ સારવાર કરવામાં મદદ મળે છે. આ કોન્ફરન્સનો ઉદ્દેશ રોગની સમજણ વધારવાનો, એની સારવારનાં પરિણામો સુધારવાનો અને સારવારમાં મૃત્યુદર ઘટાડવાનો છે.

(9:06 pm IST)