Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહી થશે

હાર્દિક પટેલને વજન અપાતાં મૂળ કોંગ્રેસીઓ નિષ્ક્રિય : ટોપ કોંગ્રેસી નેતાઓએ પક્ષના ઉમેદવાર કરતાં ભાજપના ઉમેદવારને જીતાડવામાં રસ લીધો હોવાની ફરિયાદ થઈ

અમદાવાદ,તા. ૨૭  : ગુજરાત લોકસભાની તાજેતરની ચૂંટણીમાં ખુદ કોંગ્રેસ પક્ષના જ કેટલાક આગેવાનો અને નેતાઓ નિષ્ક્રિય અને બિનકાર્યક્ષમ રહ્યા હોવાની વાત હવે સામે આવી રહી છે. તો, આ ચૂંટણીમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પક્ષના ઉમેદવાર કરતાં ભાજપના ઉમેદવારને જીતાડવામાં રસ લીધો હોવા ઉપરાંત, પક્ષવિરોધી પ્રવૃત્તિ આચરવા સહિતની અનેક પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે અને તેથી ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ આ સમગ્ર મામલે તપાસ કરી તેનો વિગતવાર અહેવાલ કોંગી હાઇકમાન્ડને મોકલશે. જેના આધારે લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો સામે આગામી દિવસોમાં શિક્ષાત્મક કાર્યવાહી સહિતની આકરી કાર્યવાહી થાય તેવી શકયતાઓ પ્રબળ બની છે. ગુજરાતમાં સતત થઈ રહેલા ભાજપના વિજય પાછળ કોંગ્રેસની નબળી રણનીતિ અને નેતાઓની આપખુદશાહી હોવાનું બહાર આવી રહ્યું છે. જેથી ગુજરાતમાં ભાજપ જીતતો નથી પણ કોંગ્રેસ હારે છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ આગેવાનોથી માંડીને સ્થાનિક ધારાસભ્યો અને હોદ્દેદારોએ પક્ષના ઉમેદવાર માટે કામ કરવાને બદલે નિષ્ક્રિય રહ્યા હોવાની મૌખિક રજૂઆતો થઈ રહી છે. કોંગ્રેસના ઉમેદવારોને હાઈકમાન્ડ તરફથી મળેલી ચૂંટણી ખર્ચની રકમ પણ અધવચ્ચે જ ચાંઉ થઈ ગઈ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદો અને જૂથવાદોને કારણે ભાજપને સૌથી વધુ ફાયદો મળી રહ્યો છે. કોંગ્રેસમાં વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા ચોક્કસ નેતાઓ કોંગ્રેસના જાગીરદાર હોય તેમ વર્તન કરતા હોવાથી પક્ષના ચુસ્ત કાર્યકરો અને ટેકેદારો કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યા છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના પ્રચારથી લઈને મતદાન સુધીના સમયગાળામાં કોંગ્રેસના ઉમેદવારો ગણ્યાં ગાંઠ્યા ટેકેદારો સાથે જોવા મળતા હતાં. સામાન્ય રીતે ચૂંટણીના સમયમાં ઉમેદવાર સાથે પ્રદેશ નેતાઓ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા અન્ય સભ્યો કોંગ્રેસનો પ્રચાર કરતા હોવા જોઈએ પરંતુ આ ચૂંટણીમાં મોટાભાગના ધારાસભ્યોથી લઈ હોદ્દેદારો મતદાનના દિવસે પણ ઘરે બેસી રહ્યા હતા.

 કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી દરમિયાન નિષ્ક્રિયતા પાછળ કોંગ્રેસના સિનિયર નેતાઓ એવું પણ તારણ કાઢી રહ્યાં છે કે, ગુજરાત કોંગ્રેસ જૂથવાદમાં સપડાયેલી હોવાથી ટિકિટોની ફાળવણીમાં પોતાના મળતીયાને ટિકિટ મળે તે માટે મહેનત કરે છે, પરંતુ જો પોતાના મળતીયાને ટિકિટ ન મળે તો તે પક્ષના ઉમેદવારને બદલે હરિફ ઉમેદવારને મદદ કરતા હોય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓની નારજગી પાછળ સૌથી મોટું કારણ એ હતું કે, વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા આગેવાનો કે કાર્યકરોને ટિકિટ આપવાને બદલે રાતોરાત કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થકો એવા લલિત કગથરા, લલિત વસોયા અને ગીતા પટેલને લોકસભાની ટિકિટ આપી દેતા મૂળ કોંગ્રેસી નેતાઓ નારાજ થઈ ગયા હતા. જ્યારથી લોકસભા ચૂંટણી જાહેર થઈ હતી ત્યારથી ઉમેદવારોને આપવામાં આવેલું ૬૦ લાખ રૂપિયાનું ચૂંટણી ફંડ પણ સ્થાનિક નેતાઓ ચાઉં કરી ગયા હોવાથી ચૂંટણી પ્રચાર દરમિયાન કાર્યકરો અને ટેકેદારોને ચા-નાસ્તો આપવાના પણ ફાંફા પડી ગયા હતા. જેના કારણે મતદાનના ચાર દિવસ પહેલા જ કોંગ્રેસ સમર્થકો ઉમેદવારથી દૂર થઈ ગયા હતા. જ્યારે મતદાનના દિવસે મૂળ કોંગ્રેસના કાર્યકરોએ પોતાના વિસ્તારના મતદાન બૂથ પાસે કોંગ્રેસનું ટેબલ મુકવા માટે ઉમેદવારોના સમર્થકોને જણાવ્યું ત્યારે તેમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે, કોંગ્રેસ પાસે બૂથના ટેબલ ખુરશી મુકવાના પણ પૈસા નથી. જેના કારણે અમદાવાદ અને ગાંધીનગર લોકસભાની બેઠકો પર મતદાન દરમિયાન કોંગ્રેસના ગણ્યાં ગાંઠ્યા બૂથ જોવા મળ્યા હતાં. જે બહુ ગંભીર અને સૂચક બાબત કહી શકાય.

(7:28 pm IST)