Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

હિમતનગરનું દંપતી ગાંધીનગરના નિવૃત મહિલા અધિકારના સગાને કંડલા પોર્ટમાં નોકરી અપાવવાના બહાને 21 લાખ ચાઉં કરી ગયું

ગાંધીનગર: હાલમાં વિવિધ નોકરી આપવા માટે છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે સે-૧૯માં રહેતા નિવૃત મહિલા અધિકારીના સગાને કંડલા પોર્ટમાં નોકરી અપાવવાના બહાને હિંમતનગરના દંપતિએ ર૧ લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હોવા અંગે ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવા પામ્યો છે. જેના પગલે પોલીસે આ દંપતિની શોધખોળ આદરી છે. સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં પાસ કરી દેવાની લાલચ આપીને ઠગ ટોળકીઓ લાખો રૂપિયા પડાવતી હોય છે ત્યારે સીધેસીધી નોકરી આપવા માટે પણ લાલચ આપીને બેરોજગાર યુવાનો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહયા છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં બનવા પામ્યો છે આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-૧૯માં રહેતાં કિશોરીબા વિરભદ્રસિંહ ચુડાસમા હાલ નવા સચિવાલયના પંચાયત ખાતાના ગ્રામ ગૃહ નિર્માણમાં સીનીયર આસી. તરીકે નિવૃત થયા છે. તેમની કચેરીમાં હિંમતનગરના પુનાસણ ગામના સાંકાભાઈ કચરાભાઈ ગુર્જર અવારનવાર આવતાં હોવાથી પરિચય થયો હતો. ત્યારબાદ વર્ષ ર૦૧૪માં સાંકાભાઈએ કિશોરીબાને કંડલાપોર્ટમાં સુપરવાઈઝરની ભરતી આવવાની હોવાથી તમારા ઘરમાં કોઈને સેટ કરવાનો હોય તો કહેજો.. જે સંદર્ભે તેમણે રૂપીયાનું કહેતા સાંકાભાઈએ કહયું હતું કે આમ તો રપ લાખ થાય છે પરંતુ તમે ઓળખીતા છો એટલે ર૧ લાખ આપશો તો પણ ચાલશે. ત્યારે કિશોરીબાના મામાના દિકરાને નોકરીની જરૂરીયાત હોવાથી તેમને ૧૩.પ૦ લાખ રૂપિયા સાંકાભાઈના કુડાસણ સ્થિત શ્રીનાથ હોમ્સના મકાનમાં જઈને આપ્યા હતા ત્યારબાદ બાકીના ૭.પ૦ લાખનો ચેક સાંકાભાઈના હિંમતનગર ખાતે ચાલતા ટ્રસ્ટ જયશ્રી ખાદીગ્રામ ઉદ્યોગના નામે આપ્યો હતો. જેથી નોકરી નહીં મળવાના કારણે કિશોરીબાએ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેના પગલે સાંકાભાઈની પત્નિ ઈન્દુબેને કહયું હતું કે મારા પતિ પાસે રૂપિયાની માંગણી કરવી નહીં તમારાથી થાય તે કરી લેજો. છેવટે કંટાળીને કિશોરીબાએ આ અંગે સાંકાભાઈ અને તેમની પત્નિ ઈન્દુબેન સામે ઈન્ફોસીટી પોલીસનમાં ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

(5:00 pm IST)