Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

સુરતના સાડીના વેપારીની પુત્રી પર સાસરિયાંવાળો ત્રાસ: પુત્રને વિદેશ મોકલવા દહેજની માંગ

સુરત:  અમદાવાદના યુવાન સાથે લગ્ન કરનાર સુરતના સાડી વેપારીની પુત્રીને સાસરિયાઓએ કરિયાવરમાં કઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપી બાદમાં પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે તેના પિતા પાસેથી રૂ. આઠ લાખ લીધા હતા. સાડી વેપારીએ પુત્રીને પણ ઓસ્ટ્રેલિયા સાથે મોકલી હતી. પરંતુ સાસરિયાઓએ બહાનું કાઢી તેને સુરત મોકલી દઇ બાદમાં સુરતમાં જ રહેવા કહેતાં આખરે તેણે સાસરિયાઓ વિરૂધ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા સાડીના હોલસેલ વેપારીએ તેમની ૨૫ વર્ષીય પુત્રીના લગ્ન પાંચ વર્ષ અગાઉ અમદાવાદના સોલા ખાતે સાયન્સ સિટીરોડ તુલસી બંગલોઝ બંગલા નં.૨૨ માં રહેતા ભૃગેશ ભાવેશભાઈ રવાણી સાથે કર્યા હતા. યુવતીના પિતાએ લગ્નમાં પોતાના મોભા મુજબ કરિયાવર આપ્યું હતું. છતાં લગ્નના એક માસ બાદ ભૃગેશ અને તેના માતા-પિતાએ તું કરિયાવરમાં કઈ લાવી નથી તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ભૃગેશે મારે ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા માટે જવું છે તેમ કહી પરિણીતાને પિતા પાસેથી પૈસા લાવવા દબાણ કરવા માંડયું હતું. સાડી વેપારીએ દીકરીનું લગ્ન જીવન બચાવવા માટે જમાઈને રૂપિયા આઠ લાખ તો આપ્યા હતા. પરંતુ પુત્રીને સાથે લઈ જવા પણ દબાણ કર્યું હતું. આથી ભૃગેશ સ્ટુડન્ટ વિઝા ઉપર ગત ફેબ્આરી માસમાં ઓસ્ટ્રેલિયા ગયો હતો. જ્યારે પત્નીને ડિપેન્ડન્ટ વિઝા ઉપર લઈ ગયો હતો. તે સમયે પરિણીતા પ્રેગનન્ટ હોય અને તેમાં કોમ્પ્લિકેશન હોવાથી ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝામાં પ્રેગ્નન્સી પ્રોબ્લેમનો વીમો થતો નથી તેવું કહી તેને ગણતરીના દિવસોમાં જ સુરત મોકલી દેવાઈ હતી. પરિણીતા અમદાવાદ પહોંચી તો સાસુ-સસરાએ હવે તારે સુરતમાં રહેવાનું જ છે તેમ કહી કાઢી મુકી હતી. લગ્નના બે વર્ષ બાદ એક બેન્કના લોન વિભાગમાં નોકરી કરતી પરિણીતા પાસેથી સાસરિયાઓએ પગાર અને કરિયાવરની રકમ મળી કુલ રૂ.૭.૪૮ લાખ જેટલી રકમ પણ પડાવી લીધી હતી.

(4:58 pm IST)