Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

બોલો લ્યો....સુરતની નવી સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૃત્યદેહોનો ઢગલો...

સુરત:  જીવતા જીવ તો સુખ નહીં મળ્યુ પણ મૃત્યુ પછી વ્યક્તિના મૃતદેહો રઝળી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ સ્ટોરેજમાંથી મૃતદેહનો નિકાલ થતો ન હોવાથી મૃતદેહોને એકની ઉપર એક એમ મુકવાની નોબત આવી છે. એક જ કોલ્ડ સ્ટોરેજ હોવાથી તે મૃતદેહોથી પેક થઇ ગયો છે.જેમનો પરિવાર કે કોઇ હોતું નથી તેવા લોકો કે પરિવારથી વિખૂટા પડેલા લોકો અકસ્માત કે બિમારીનો ભોગ બને ત્યારે નવી સિવિલ કે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાય છે. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થાય તો તેમની નોંધણી અજાણ્યા તરીકે થાય છે. ફુટપાથ પર બિમારીથી મોત કે અકસ્માતમાં મૃત્યુ પામેલા અને નહી ઓળખાયેલા લોકોના મૃતદેહ પણ આ હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજમાં મુકાય છે. પોલીસ તપાસ ચાલુ હોવાથી સપ્તાહ સુધી મૃતદેહ અહી રાખી મુકાય છે. ત્યારબાદ મૃતકની ઓળખ નહી થાય તો જે તે પોલીસ મથકના પોલીસ મૃતદેહને અંતિમક્રિયા માટે વિવિધ સંસ્થાઓને સોંપી દે છે. હાલમાં સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં વિવિધ પોલીસ મથકની એન્ટ્રીથી આવેલા ૮ મૃતદેહ મુકાયેલા છે. તેમજ સિવિલમાં બિમારીની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા અન્ય ૪ મૃતદેહો પણ તે જ રૂમમાં મુકાયેલા છે. કેટલાક પોલીસ મથકોના જવાનોની ઉદાસિનતાને કારણે સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી સમયસર મૃતદેહનો નિકાલ થતો નથી. તેથી રૂમ મૃતદેહોથી ભરાઇ ગયો છે. અને મૃતદેહોને ખીચોખીચ રાખી મુકવાથી નુક્સાન થવાની શક્યતા પણ છે. સિવિલના અધિકારીએ જણાવ્યું કે, આ અંગે વિવિધ પોલીસ મથકોના જવાનોને પોસ્ટમોર્ટમ રૂમમાંથી સમયસર મૃતદેહનો નિકાલ કરવાની પ્રક્રિયા કરવા સુચના આપવા સુરત સિટી પોલીસ કમિશ્નરને લેખિતમાં જાણ કરાશે.

(4:56 pm IST)