Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

નજીવી બાબતે આણંદમાં બે પરિવાર વચ્ચે તલવારો ઉલરી: ત્રણને ઇજા

આણંદ:  શહેરની બોરસદ ચોકડી પાસે આવેલા સેન્ટ્રલ વેર હાઉસની પાછળ ગઈકાલે સાંજના સુમારે એક શખ્સે તલવારથી હુમલો કરીને પિતા-પુત્રને માર મારતાં તેમજ સામા પક્ષ પણ એકને તલવારથી માર મારતાં ત્રણેયને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. છુટક સફાઈ કામ કરીને જીવન ગુજરાન ચલાવતા દિનેશભાઈ રતિલાલભાઈ હરિજને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે એકતાનગર ઝુંપડપટ્ટીમાં બેઠા હતા ત્યારે નજીકમાં જ રહેતો કિરણભાઈ સરાણીયા ઉર્ફે છરીવાળો આવી ચઢ્યો હતો અને તેણે કહેલ કે, તે છોકરીને શું આપ્યું છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી દિનેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં જ ઉશ્કેરાઈ ગયેલા કિરણભાઈ ઘરેથી તલવાર લઈ આવ્યો હતો અને ડાબા હાથના પંજા તથા કોણી નીચે તલવાર મારી દીધી હતી. બુમાબુમ થતાં રતિલાલભાઈ આવી પહોંચ્યા હતા જેમને પણ ડાબા હાથની કોણીના ભાગે તલવાર મારીને અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપીન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ તરફ ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને રીક્ષામાં સારવાર માટે પ્રથમ આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે સામા પક્ષે કિરણભાઈ સરણીયાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, દિનેશભાઈ રતિલાલભાઈ હરિજન પાસે તેમની સાળી રીટાબેનનો મોબાઈલ ફોન કેમનો આવ્યો તેમ જણાવતાં દિનેશભાઈએ મારે તેની સાથે કોઈ સંબંધ નથી તેમ જણાવીને ઝઘડો કર્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને દિનેશ ઘરમાંથી તલવાર લઈ આવ્યો હતો. રતિલાલભાઈએ કિરણને પકડી રાખ્યો હતો અને દિનેશે કમર પાછળના ભાગે, જમણા હાથની આંગળી અને ડાબા પગની જાંઘ ઉપર તલવાર મારી દીધી હતી જ્યારે નુરયો મોહનભાઈ હરિજને લોખંડની પાઈપ લઈ આવીને બગલના ભાગે મારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

(4:56 pm IST)