Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

નાપા તળપદ ગામે પોલ્ટ્રી ફાર્મની ઓરડીમાં છાપો મારીને ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાડી રહેલા એક શખ્સને પકડ્યો: અડધા લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

બોરસદ: શહેર રૂરલ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે નાપા તળપદ ગામે આવેલી એક પોલ્ટ્રી ફાર્મની ઓરડીમાં છાપો મારીને ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાડી રહેલા એક શખ્સને ઝડપી પાડીને કુલ ૫૮૯૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.  મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે પેટ્રોલીંગ કરી રહેલી બોરસદ રૂરલ પોલીસને હકીકત મળી હતી કે, નાપા તળપદ ગામે આવેલી વાળંદની કુઈ બુટકા માતાના વડ પાસે આવેલી એવન પોલ્ટ્રી ફાર્મની ઓરડીમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે રાત્રીના પોણા અગિયાર વાગ્યાના સુમારે છાપો મારતાં એક શખ્સ ઓરડીમાં ચાલુ ટીવીમાં જોઈને કોલકત્તા અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહેલી મેચ પર મોબાઈલ ફોન દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો અને એક ચિઠ્ઠીમાં હિસાબ લખતો હતો જેથી પોલીસે તેને દબોચી લઈને તેની અંગજડતી કરતાં રોકડા ૨૫૪૪૦, મોબાઈલ ફોન વગેરે મળી આવ્યું હતુ. પોલીસે ટીવી સાથે કુલ ૫૮૯૪૦નો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા શખ્સનુ નામઠામ પુછતાં તે યુસુફમીંયા નશીરમીંયા મલેક હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કોણ-કોણ સટ્ટો રમતું હતુ જેવી બાબતોની તપાસ હાથ ધરી છે.

(4:55 pm IST)