Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અમદાવાદમાં કોલેજીયન યુવતી પર ચાર નરાધમે દુષ્કર્મ આચર્યું: સારવારમાં પીડિતાનું મોત: બે આરોપીની ધરપકડ

અમદાવાદ:  એક તરફ બેટી બચાવો, બેટી પઢાવોની જોરશોરથી ગુલબાંગો પોકારાવામાં આવે છે, ત્યારે બીજીતરફ કોલેજિયન યુવતી પર ચાર શખ્સોએ સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો, આ ગંભીર ઘટનામાં યુવતીનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ચોંકાવાનારી બાબત એ છે, કે એક મહિના સુધી પોલીસે એક પણ આરોપીને પકડયો ન હતો. જ્યારે યુવતીના મોત બાદ પોલીસ હરકતમાં આવી હતી અને પીડિતા યુવતીના મોત થયાના ૨૪ કલાકમાં બે આરોપીને ઝડપી પાડયા હતા. જેથી યુવતીના પરિવારજનોએ આક્રોશ સાથે ન્યાયની માંગણી કરી હતી.અમરાઇવાડી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી હોસ્પિટલમાં દાખલ થયેલી ૨૦ વર્ષીય યુવતીએ તા. ૧૮ માર્ચના રોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે યુવતી કોલેજની પરિક્ષામાં નાપાસ થઇ હતી, જેથી અમરાઇવાડી વિસ્તારમાં તેના પડોશમાં રહેતા હાર્દિક નરેન્દ્રભાઇ શુકલા અને સરખેજમાં રહેતા અંકિત (અનિકેત) પારેખ તથા રામોલ જનતાનગર ખાતે રહેતા ચિરાગ વાધેલા તેમજ રાજ નામના ચાર યુવકોએ ૨૦૧૮માં એટીકેટીનું ફોર્મ ભરવા તેમજ એટીકેટી સોલ્વ કરાવાની લાલચ આપી હતી ત્યારબાદ યુવતીનું શોષણ કરવાનું શરૃ કરી કરીને રામોલ રિગ રોડ પર અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા જ્યાં પ્રથમ વખત યુવતીને કેફી પીણું પીવડાવીને બેભાન કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો જો કે યુવતીએ મૃત બાળકને જન્મ આપતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. રામોલ પોલીસે ચાર શખ્સો સામે સામુહિક બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.દરમિયાન યુવતી એલ.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં કિડની ફેઇલ થતાં ગઇકાલે સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. આ કેસમાં ગુનો નોધ્યા બાદ રામોલ પોલીસે દાટેલા મૃત બાળકને બહાર કાઢીને તેનો તથા મૃતક યુવતીના ડીએનએ સેમ્પલ લીધા હતા.

(4:53 pm IST)