Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

કર્ણાવતી ક્લબની જોઈન્ટ સેક્રેટરી તરીકે સિલ્વા પટેલને પસંદ કરતા સિનિયર દાવેદારો નારાજ

અમદાવાદ: કર્ણાવતી ક્લબના બોર્ડની આજે મળેલી બેઠકમાં હજી એકથી દોઢ વર્ષ પહેલા જ મેમ્બર બનેલી સિલ્વા પટેલને જોઈન્ટ સેક્રેટરી બનાવી દેવામાં આવતા આ હોદ્દા માટેના ઘણાં સિનિયર દાવેદારોમાં અસંતોષ ફેલાયો છે. આ સાથે જ ક્લબનું બોર્ડ આપખુદશાહી નિર્ણય લેતું હોવાના આક્ષેપો પણ થવા માંડયા છે.આજની બેઠકમાં સેક્રેટરી તરીકે કેતન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જોકે તેમની નિમણૂક સામે પણ ઘણાં સિનિયરોને અસંતોષ હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે ગિરીશ દાણીના વર્ચસ્વ વાળી કર્ણાવતી ક્લબમાં લડત છેડીને ગિરીશ દાણીની પકડમાંથી મુક્ત કરાવવા માટેની લડતમાં ફાળો આપનારા ઘણાં દાવેદારોને તેમની અપેક્ષા પ્રમાણે હોદ્દાઓ ન મળતા તેમનો અસંતોષ વધ્યો છે. પરિણામે આગામી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કર્ણાવતી ક્લબના બોર્ડના એક તૃતિયાંશ સભ્યોની ચૂંટણી આવે ત્યારે સમજાવટથી ચૂંટણી થવાની શક્યતા ઘટી રહી છે. ઘણાં લોકો આ ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવે અને મતદાન કરવાની ફરજ પાડે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. કર્ણાવતી ક્લબના કેટલાક સભ્ય રાજપથમાં પણ સભ્ય હોવાથી બેમાંથી એક ક્લબમાં તેમને અપેક્ષા પ્રમાણે હોદ્દા મળવાની ગણતરી હતી, પરંતુ વર્તમાન મેનેજમેન્ટે તેમને એક ક્લબમાંથી અળગા કરી દીધા હોવાથી બેમાંથી એક જે ક્લબમાં તેમને હોદ્દો મળે તેવી આશા રાખીને બેસી રહેલાઓની આશા પર પાણી ફરી વળ્યું છે. પરિણામે કર્ણાવતી ક્લબમાં સત્તાની સાઠમારી વધવાની અને અસંતોષનો ભડકો ઊઠવાની સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે.

(4:52 pm IST)