Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

છોટાઉદેપુરમાં આદિવાસી યુવકોના નર્મદાની મુખ્‍ય કેનાલ ઉપર જોખમી સ્‍ટંટ

છોટાઉદેપુર :આકરી ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે, અને લોકો વોટરફોલ, વોટરપાર્ક, સ્વીમિંગ પુલ તરફ નજર દોડાવી રહ્યા છે. સમય મળે અને ઢુબાકા મારવા મળે તેમનો પહેલો પ્લાન હોય છે. ગરમીના દિવસોમાં લોકો તળાવ, સરોવર, નદી-નાળામાં ન્હાતા જોવા મળે છે. પણ ક્યારેક સેલ્ફી-વીડિયો લેવાના લ્હાયમાં, તો ક્યાંક જોખમી સ્ટંટ કરતા નજરે ચઢે છે, જેને કારણે જીવનું જોખમ હોય છે. ત્યારે હવે યુવકો કેનાલમાં પણ જોખમી ડૂબકીઓ લગાવી રહ્યાં છે. કેનાલમાં આવો જોખમી સ્ટંટનો વીડિયો વાઈરલ થયો છે.

છોટાઉદેપુરમાં આદિવાસી યુવાનો જીવનના જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા છે. નર્મદાની મુખ્ય કેનાલ પરથી આદિવાસી યુવાનો બિન્દાસ છાંગ મારતાં દેખાઈ રહ્યાં છે. યુવાનો કાળઝાળ ગરમીથી બચવા નર્મદાની કેનાલમાં છલાંગ મારતા જોવા મળ્યા છે. યુવાનો 20 ફૂટથી વધુ ઊંચાઈથી છલાંગ લગાવતા જોવા મળ્યા. જે તેમના જીવને જોખમમાં મૂકી શકે છે. દ્રશ્યો નસવાડીના રતનપુર પાસે આવેલી નર્મદા કેનાલનાં છે. જેમાં યુવકો ઢુબાકા મારી રહ્યાં છે. કાળઝાળ ગરમીથી બચવા માટે યુવકોએ નર્મદાની મુખ્ય કેનાલને સ્વીમિંગ પુલ બનાવી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાંથી કેનાલ પસાર થાય છે, જેમાં લોકો આવી રીતે સ્ટંટ કરતા નજરે પડે છે. પરંતુ જોખમી સ્ટંટ કરતા યુવાનોને તંત્ર તરફથી રોકવામાં નથી આવી રહ્યાં.

(4:39 pm IST)