Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

રાજ્‍ય સરકાર દ્વારા વિસનગર અને નડિયાદમાં મેડિકલની 150-150 બેઠકો મંજૂરઃ નીતિનભાઇ પટેલની જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતમાં તબીબી શિક્ષણની બેઠકોમાં વધુ 300નો ઉમેરો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વિસનગર અને નડિયાદની કોલેજ માટે 150-150 બેઠકો મંજૂર કરવામાં આવી છે. આમ, રાજ્યમાં હવે મેડિકલની કુલ 4450 બેઠક થઈ જશે. આથી, તબીબી અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે અને તેની સાથે વિસનગર અને નડિયાદમાં મેડિકલ કોલેજ શરૂ થઈ જતાં શહેરની પ્રજાને ઉચ્ચ તબીબી સુવિધાઓનો પણ લાભ મળશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, "કેન્દ્ર સરકારે આજે વિસનગર અને નડિયાદની બે નવી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ માટે MBBSની 150-150 બેઠકો મળી કુલ 300 બેઠકોને મંજૂરી આપી છે. હવે રાજ્યમાં MBBSની કુલ 4450 બેઠકો ઉપલબ્ધ થશે. બેઠકો પર નવા શૈક્ષણિક વર્ષથી પ્રવેશ આપવામાં આવશે. જેના કારણે 300 તેજસ્વી વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાની તક મળશે અને રાજ્યમાં ભવિષ્યમાં ડૉક્ટરોની સુવિધા પણ ઉપલબ્ધ થશે."

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, "રાજ્યના વિદ્યાર્થીઓને ઘરઆંગણે તબીબી શિક્ષણ મળી રહે તે માટે સરકારે આરોગ્યનીતિ-2016 અમલી બનાવી છે. નીતિ હેઠળ ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજો સ્થાપવા માટે પ્રોત્સાહક યોજના જાહેર કરી હતી. તેના અંતર્ગત રાજ્યમાં નવી ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવા માટે વિદ્યાર્થી દીઠ અને MBBSની બેઠક દીઠ, 5 વર્ષ સુધી દર વર્ષે  રૂા.15 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજોને આપવામાં આવશે."

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર-વિસનગર તથા ધર્મસિંહ દેસાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ કોલેજ, નડીયાદ ખાતે વધારાની 150-150 બેઠકો ઉપલબ્ધ થતાંની સાથે રાજ્ય સરકારની ગ્રીનફીલ્ડ કોલેજોના નિર્માણની નીતિ અન્વયે બંને સ્થળોએ 300-300 પથારીની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ પણ ઉપલબ્ધ બનશે. જેના કારણે દર્દીઓને ઘરઆંગણે ઝડપથી સારવાર મળતી થશે.

બેઠકોને મંજુરી માટે છેલ્લા એક વર્ષથી પ્રક્રિયા ચાલતી હતી જેને મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આજે મંજૂરી આપી દેવાઇ છે. જેના પર નવા શૈક્ષણિક વર્ષ 2019-20થી પ્રવેશ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ઉપરાંત અમરેલી અને અમદાવાદની એક-એક ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજોમાં પણ 300 બેઠકોની મંજૂરી માટે પ્રક્રિયા હેઠળ ઇન્સ્પેક્સનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આથી, વધારાની 300 બેઠકોની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જશે.

(4:38 pm IST)