Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

'મૃતકની સ્યુસાઇડ નોટ જ તેનું અંતિમ નિવેદન છે'

અમદાવાદ તા. ૨૭: ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપતા મૃતક વ્યકિતની વિધવા પત્ની અને સાસુ-સસરા સામે દાખલ થયેલી આત્મહત્યાના દુષ્પ્રેરણાની FIR રદ કરવાથી ઈનકાર કરી દીધો. હાઈકોર્ટે આ પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે, મૃતક વ્યકિતએ લખેલી સ્યુસાઈડ નોટ જ તેના મૃત્યુ માટેનું જવાબદાર કારણ છે.

સમગ્ર મામલા મુજબ, વર્ષ ૨૦૧૫માં ગાંધીનગર જિલ્લામાં રિયલ એસ્ટેટ બ્રોકર દિપેન પટેલે આત્મહત્યા કરી હતી, સ્યુસાઈડ નોટમાં તેણે પત્ની અને સાસુ-સસરાને તેની પાછળ જવાબદાર ગણાવ્યા હતા. દિપેને સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપીને આત્મહત્યા કરવા માટે ઉત્સાહિત કરતા હતા. તેમણે દિપેનને બંદૂક પણ આપી હતી.

દિપેનના પિતાએ તેના મૃત્યુ બાદ FIR દાખલ કરાવી હતી, જોકે બાદમાં તેની માતાએ આરોપી વ્યકિતઓ સાથે સમાધાન થતા ફરિયાદને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ જસ્ટીસ એ.પી ઠાકર તેમના સમાધાન સાથે સહમત નહોતા.

કોર્ટે કહ્યું કે, સ્યુસાઈડ નોટ જેના આધારે ફરિયાદ દાખલ કરાઈ છે કે બીજું કશું નહીં પરંતુ મૃતક વ્યકિતએ આપેલું નિવેદન છે. સ્યુસાઈડ નોટ પરથી સ્પષ્ટ થાય છે કે મૃતકને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરવામાં આવ્યો હતો. આથી બંને પાર્ટીઓ વચ્ચે સમાધાન થઈ જતા ફરિયાદ રદ કરવા મૃતકની માતા દ્વારા એફિડેવિટ દાખલ કરવા છતાં સમગ્ર કેસ મૃતકની સ્યુસાઈડ નોટ પર આધારિત છે. જે બીજું કશું નહીં પરંતુ પહેલા કહ્યું તે મુજબ મૃતકનું નિવેદન છે.

(3:47 pm IST)