Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

જિલ્લા પંચાયત પ્રમુખે મને ધમકાવીને ચૂપ કરી દીધેલો, કોંગ્રેસના એજન્ટનો ચૂંટણી પંચમાં ધડાકો

અમિતભાઈ શાહના મત વિસ્તારના બાવળાના બાપુપુરા મથકના મતદાનમાં મત નાખવા ન આવેલા લોકોના નામે વ્યાપક બોગસ વોટીંગનો એ વિડીયો જૂનો નહિ, નવોઃ સરકારી અધિકારીઓ પર પણ ગંભીર આરોપ, હવે શું ? આતુરતાભરી મીટઃ એ બુથમાં જેઓની ફરજ હતી તેવા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના નામો અને ફોટાઓ વિડીયો સાથે તપાસનીશ અધિકારીઓ ચકાસણી કરી રીપોર્ટ આપશે

રાજકોટ, તા. ૨૭ :. તાજેતરમાં લોકસભાની ૨૬ સીટો માટે યોજાયેલ મતદાન દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તેવી હાઈપ્રોફાઈલ સીટના મત વિસ્તાર પૈકી બાવળાના બાપુપુરા પોલીંગ મથક નં. ૧ માં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ બોગસ મતો નખાવી રહ્યાના ચકચારી મામલામાં એ બુથના કોંગ્રેસના એજન્ટે આગળ આવી એ વિડીયો જૂનો નહિ તાજેતરની લોકસભાની ચૂંટણીનો જ હોવાનો ધડાકો ચૂંટણી પંચ સમક્ષ કરતા ખળભળાટ મચી ગયો છે.

અત્રે એ યાદ રહે કે ઉકત મતદાન મથકમાં અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ બુથમાં સતત ઉપસ્થિત રહી જેઓ મત દેવા ન આવ્યા હતા તેઓના નામો મતદાર યાદીમાંથી કાઢી તેમના નામે તેમના સાથીદારની મદદથી મતો નખાવી રહ્યાનું અને મતદાતા વતી તેઓ બોગસ સહી કરી રહ્યાનું સ્પષ્ટ દેખાતા આ બાબતે કોંગ્રેસના ગાંધીનગર મત વિસ્તારના ઉમેદવાર સી.જે. ચાવડાએ ચુંટણી પંચમાં ફરીયાદ કરી હતી. ઘટના મતદાન મથકની અંદરની હોય આ જવાબદારી ગાંધીનગર કલેકટરની રહેતી હોવાથી ચૂંટણી પંચે તેઓની ધ્યાન દોર્યુ હતું.

ગાંધીનગર કલેકટરે સાણંદ વિસ્તારના એસડીએમ તથા અમદાવાદ ગ્રામ્યના એસપી આર.વી. અસારીને તપાસ કરવા સુચવ્યુ હતું. સાથોસાથ સાયન્ટીફીક રીતે તપાસ કરવા માટે એફએસએલની મદદ લેવાનું પણ કેટલાક અધિકારીઓએ સૂચવ્યુ હતું. જાણકાર પોલીસ અધિકારીઓના કથન મુજબ વિડીયોની તપાસ કરવાનુ ખૂબ જ સહેલુ હોવાનું જણાવતા કહેલ કે જેઓના નામ પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે હોય અને સાથોસાથ પોલીંગ ઓફિસર અને અન્ય સ્ટાફના આ બુથ ઉપર ઓર્ડર નિકળ્યા હોય તેમના નામ અને ફોટાઓ અને વિડીયોના ફોટાઓની ચકાસણી કરવા સાથે જ દૂધનું દૂધ અને પાણીનુ પાણી થતા વાર નહિ લાગે. અત્રે યાદ રહે કે, કોંગ્રેસના એ બુથના એજન્ટે ચૂંટણી પંચ સમક્ષ પોતે જિલ્લા પંચાયતના પ્રમુખને આવુ કૃત્ય કરતા રોકવા પ્રયત્ન કરતા તેઓએ પોતાને ધમકાવી ચૂપ કરી દીધેલ. કોંગ્રેસના બુથ એજન્ટે એ બુથના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ જિલ્લા પંચાયતના પ્રમુખના કહેવાતા ખોટા કાર્યમાં હસીહસીને સાથ આપી રહ્યાનો આરોપ મુકતા હવે આ મામલે શું થશે ? ચૂંટણી પંચ શું નિર્ણય લેશે ? તેના પર આતુરતા ભરી મીટ મંડાઈ છે.

(3:46 pm IST)