Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો ભાજપનેઃ માહિતી સ્ત્રોતનું તારણ

મોદીના નામે મતવર્ષા થઈઃ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ગુપ્તચરોના અહેવાલના આધારે સરકાર સમક્ષ ચિત્ર રજુઃ ભારે મતદાનને સમીક્ષકો જુવાળ ગણે છે, જો જુવાળ ઉંધો નીકળે તો ભાજપ એક આંકડે આવી જશે

રાજકોટ, તા. ૨૭ :. ગુજરાતમાં લોકસભાની ૨૬ અને ધારાસભાની ૪ બેઠકો માટે ગયા મંગળવારે મતદાન થઈ ગયું. મત ગણતરી તા. ૨૩ મે એ છે. પરિણામ બાબતે જુદા જુદા દાવા અને પ્રતિદાવા થઈ રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો ભાજપને મળેલ. આ વખતે પણ ભાજપે તમામ બેઠકો મેળવવાનો દાવો કર્યો છે. ૨૦૧૪ અને અત્યારની રાજકીય સ્થિતિમાં ધરખમ ફેરફાર હોવાથી ભાજપનો દાવો સાચો માનવા સામે મોટા પ્રશ્નાર્થ ઉભા થાય છે. જો કે સરકારને વિવિધ માહિતી સ્ત્રોતને આધારે દાવો સાચો પડવાની આશા મજબુત થાય તેવુ તારણ મળ્યુ છે. ૬૪.૧૧ ટકા જેટલા સારા મતદાનને સમીક્ષકો જુવાળ ગણે છે. આ જુવાળ ભાજપ તરફી હોય તો તમામ ૨૬ બેઠકો ફરી ભાજપના ફાળે જઈ શકે છે. જો જુવાળ ઉંધો નિકળે તો ભાજપ એક આંકડે અને કોંગ્રેસ બે આંકડે થઈ શકે છે.

ધોમધખતો તાપ અને રાજકીય કાર્યકરોની નોંધપાત્ર નિરાશા વચ્ચે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં અભૂતપૂર્વ ઉંચુ મતદાન થયુ તે બાબત કોઈ જુવાળ સૂચવે છે. સામાન્ય રીતે કોઈની તરફેણ અથવા વિરૂદ્ધમાં જનાદેશ હોય ત્યારે ઉંચુ મતદાન થતુ હોય છે. વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, ગુપ્તચરો અને અન્ય કેટલીક એજન્સીઓ પાસેથી મેળવેલી માહિતીના આધારે સરકારના સૂત્રો મોદીના નામે મત વર્ષા થયાનું તારણ કાઢે છે. તે તારણ મુજબ તમામ ૨૬ બેઠકો ભાજપને મળવા પાત્ર છે. ધારાસભાની જામનગર ગ્રામ્ય અને માણાવદર બેઠકમાં ભાજપ મજબુત સ્થિતિમાં દેખાયેલ. ઉંઝા અને હળવદમાં ભાજપે કપરા ચઢાણ ચડવા પડયા છે.

જુદા જુદા માહિતી સ્ત્રોતના આધારે ભાજપને તમામ ૨૬ બેઠકો પર જીતવાનો આત્મવિશ્વાસ વધ્યો છે. અમુક જગ્યાએ ઉમેદવારો સામેના ગમા-અણગમા તથા આંતરીક જુથવાદની સ્થિતિનો સામનો કરવો પડેલ. સામાન્ય ચર્ચા મુજબ કોંગ્રેસને ૫ - ૭ બેઠકો મળે તેવી વાતો ખૂબ ચાલે છે પરંતુ સરકાર અને ભાજપની નેતાગીરીએ મતદાન બાદ જિલ્લાવાર સરકારી અને બીનસરકારી તંત્ર પાસેથી જે માહિતી મેળવી તે મુજબ તમામ બેઠકોમાં ભાજપને જીત દેખાય રહી છે. કયાંક એકાદ બેઠકમાં રાજકીય અકસ્માત થઈ શકે છે. ૨૦૧૪ના પ્રમાણમાં ભાજપના વિજેતાઓની સરસાઈ ધરખમ ઘટશે તેવુ અભ્યાસનું તારણ છે. ૨૦૧૪માં ભાજપના ૨૧ ઉમેદવારો દોઢ લાખથી વધુ મતથી જીત્યા હતા. આ વખતે ભારે મતદાનને સમીક્ષકો અને માહિતી દાતાઓ ગુજરાતના મોદી તરફનો જુવાળ ગણાવે છે. વિપક્ષના વર્તુળો આ મતદાનને સરકાર વિરોધી અંડર કરંટ માને છે. મોદી તરફી જુવાળમાં તમામ ૨૬ બેઠકો બીજી વખત ભાજપના ભાગે જઈ શકે છે. જો જુવાળ ઉંધો નીકળે તો ભાજપે બેઠકોમાં ધરખમ કાપ સહન કરવો પડશે. મત મશીનમાં શું કેદ થઈ ગયુ છે ? તે કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી પરંતુ હાલ તો મતદાન પછીના સંકેતો અને જો તો આધારીત આગાહીઓ થઈ રહી છે.

(3:45 pm IST)