Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ભારત જોડો યાત્રાની સફળતાથી ભાજપને લોકસભામાં હારનો ડર લાગતા કાવાદાવા શરૂ કર્યા:ભરતસિંહના પ્રહાર

વડોદરા ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

અમદાવાદ:વડોદરા આવેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, રાહુલ ગાંધીની સદસ્યતા જવા મામલે દેશ દુનિયામાં ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે. આ 130 કરોડની ચિંતાનો વિષય છે. છેલ્લા કેટલાય વખતથી જે પ્રકારનું શાસન આ દેશમાં ચાલી રહ્યું છે, લોકશાહી પર ધીમે ધીમે કરતા એક બહુ જ મોટો ખતરો, બહુ મોટી ચિંતાનો વિષય, બંધારણ રહેશે કે કેમ, બચશે કે કેમ તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આ દેશની ભોળી પ્રજા અનેક બાબતો પોતાની નજર સમક્ષ આવે છે છતા એક આશા અને વિશ્વાસ સાથે સમય પસાર થઈ રહી છે. આપણા સહુના-દેશના લોકપ્રિય નેતા રાહુલજી સંસદમાં બોલવા માગતા હોય, ભારત જોડો યાત્રા ચાલુ કરી ત્યારે સ્વાભાવિક રીતે તેમને, તેમના વિચારને, તેમની વાતને તોડી નાખવા માટે કામ થયું. તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ડઘાઈ ગઈ. તેમનો વાંક શું હતો. તેમણે તો અદાણી-મોદીની મિલીભગતની, કરોડો રૂપિયાની વાત કરી હતી.

 

વડોદરા ખાતે પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપા રાહુલ ગાંધીથી ડરી ગઈ છે અને તેના કારણે આટલા ઝડપી કામો થઈ રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ ભાજપાને એમ લાગી રહ્યું છે કે તેઓ આગામી લોકસભામાં હારી જશે અને તેથી કાવાદાવા કરી રહ્યું છે પરંતુ રાહુલ ગાંધીને એનાથી કોઈ ફરક નહીં પડે અને તેઓ સતત લડત આપતા રહેશે. 

 

આ ઉપરાંત ભાવનગરમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ પણ રાહુલ ગાંધીની સદસ્યતા મામલે કહ્યું કે, રાહુલ ગાંધી સાથે જે કાંઈ થઈ રહ્યું છે તે પૂર્વનિર્ધારિત હતું.

(8:24 pm IST)