Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પરીક્ષા શરૂ થયા બાદ પેપર વાયરલ થયું: એ.જે શાહ

યુવરાજસિંહ દ્વારા ધોરણ 12ની કમ્પ્યૂટરની પરીક્ષાનું પેપર લીક થવાના દાવા અંગે બોર્ડ ચેરમેનનું નિવેદન

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આજે ધોરણ 12માં કમ્પ્યૂટર વિષયની પરીક્ષાનું પેપર હતું. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરે 3 કલાકથી સાંજે 6.15 કલાક વચ્ચેનો હોય છે, પરંતુ કમ્પ્યૂટરના પેપરનો સમય બે કલાકનો હતો. આ વચ્ચે યુવરાજ સિંહ જાડેજા દ્વારા ધોરણ 12ની કમ્પ્યૂટરની પરીક્ષાનું પેપર લીક થવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે ધોરણ 12ના કમ્પ્યૂટરના પેપર વાયરલ થવા અંગે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, પેપર ફૂટ્યુ નથી પરંતુ પરીક્ષા શરૂ થયા બાદ પેપર વાયરલ થયું છે. તેમણે કહ્યું કે, બોર્ડ દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવશે. કોઈએ ચોરી કરવાના ઈરાદાથી પેપર પરીક્ષા ખંડની બહાર વાયરલ કર્યું હોય શકે તેમ ચેરમેને કહ્યુ હતું. બોર્ડ તરફથી તપાસ કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. 

 

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કર્યું છે. યુવરાજ સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું- આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર વિષયની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સએપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપરલીકની માહિતી પહોંચાડવામાં આવી છે. યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે, પેપર સાચુ છે કે ખોટું તેની પુષ્ટિ કરતો નથી. આ સાથે યુવરાજ સિંહે પેપરના કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યાં છે.

 

(7:46 pm IST)