Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વડોદરાના વારસિયા વિસ્તારમાં અકસ્માત બાદ માર્ગ પર બિયરની રેલમછેલ સર્જાતા લોકોએ લૂંટ ચલાવી

વડોદરા: વારસિયા મુખ્ય માર્ગ પર બે વાહન વચ્ચે અકસ્માત થતા તે પૈકીના એક વાહન પર બિયરના ક્રેટ રસ્તા પર પડ્યા હતા. જેથી અહીંથી પસાર થઈ રહેલા કેટલાક લોકોએ બિયરની લુટફાટ ચલાવી હતી. જે મામલે અહીંથી પસાર થતા લોકો સાથે સ્થાનિક નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વારસિયા મુખ્ય માર્ગ પર શ્રી વાટિકા પાર્ટી પ્લોટ પાસેથી રૂપલ મંદિર તરફ જવાના માર્ગ પર આજે સવારના સમયે બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. જે પૈકીના એક વાહન પર બિયરની પેટીઓ લઈ જવામાં આવતી હોવાથી તે મુખ્ય માર્ગ પર પડી હતી. બિયરની બોટલો મુખ્ય માર્ગ પર પડતાં લોકોએ ભારે બુમાબૂમ કરી હતી. જેથી વાહન પર બિયર લઈ જતા બુટલેગર અહીંથી નાસી ગયા હતા. બિયરની પેટીઓ પડતા કેટલાક લોકોએ તેની ખુલ્લેઆમ લૂંટ ચલાવી હોવાની ચર્ચા છે. બનાવની જાણ થતા વારસિયા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે દોડી આવી હતી અને હંગામો કરી રહેલા લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કેટલાક લોકોએ પોલીસને સંભળાવી દીધું હતું કે, તમારા કારણે આવા ધંધા થઈ રહ્યા છે, નાગરિકો બુટલેગરોના ત્રાસથી ત્રસ્ત છે અને અમને દમ મારશો. લોકોનો ઉહાપોહ, રોષ અને બોલાચાલી થતા થોડી ક્ષણમાં પીસીઆર વાન અહીંથી રવાના થઈ ગઈ હતી. મામલે પોલીસ કાયદેસરની ફરિયાદ દાખલ કરી નજીકના સીસીટીવી તપાસણીના આધારે આરોપીઓ સુધી પહોંચે તો નિયમિત રીતે વિસ્તારમાં થતા દારૂના ધંધાનો મોટો ખુલાસો થઈ શકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

(6:59 pm IST)