Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કન્‍યારૂપ-કુળવધુરૂપ-માતૃરૂપની વંદના જરૂરી : પૂ.મોરારીબાપુ

નવસારીને ટીબી અને કુપોષણ મુકત કરાશે : ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલે તેમના ધર્મપત્‍નિ સાથે ‘માનસ ગૌરીસ્‍તુતિ' શ્રીરામકથાનું રસપાન કર્યુ

રાજકોટ, તા.૨૭: પૂ.મોરારીબાપુના વ્‍યાસાસને નવસારી ખાતે ‘માનસ ગૌરીસ્‍તુતિ' શ્રીરામકથા યોજાઇ છે. જેમાં ગઇકાલે ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ અને તેમના પત્‍નિએ કથાનું રસપાન કર્યુ હતુ.

પૂ.મોરારીબાપુએ કહ્યું કે જય જય ગિરિવર રાજકિશોરી-એમાં ગિરિવર રાજકિશોરીએ કન્‍યારૂપ, મહેશ મુખ ચંદ્ર ચકોરીએ પત્‍નિરૂપ અને જગતજનની એ માતા સ્‍વરૂપ છે. ત્રણેયના સેવાક્ષેત્રો -ઉત્તરદાયિત્‍વ જુદા છે. દીકરી હમેંશા પિતાનું ધ્‍યાન રાખતી હોય છે. પુત્રીરૂપે શકિત પિતાનું ધ્‍યાન રાખે છે, એનો સ્‍વભાવ છે. સદમાતા પોતાના પુત્રનું ધ્‍યાન રાખે છે. જો ત્રણેય ભાવ બરાબર સચવાય તો પરિણામ ખૂબ સારા આવે છે. બાપુએ કહયુ કે માનસ કૃપા કટાક્ષ ઉપર પણ જયારે પણ પ્રેરણા થાય ત્‍યારે એક કથા કરવી છે.

માનસજાનકી - જામનગરની કથામાં એક વાર્તા કહેલી જે કહીને બાપુએ જણાવ્‍યુ કે, ત્રિસ્‍તરીય સ્‍તુતિથી, બધું સારૂ થઇ શકે છે.

બાપુએ જણાવ્‍યુ કે, ઘણા બેરખા લઇ અને છોડી ગયા છે. કયારેક ગિરનારી તળેટીમાં દંડવત કરનારા જેમ તેમ બોલવા લાગ્‍યા છે. કાગબાપુની સભામાં કે બીજે કયાંય પગ પકડનારા પણ આજે દૂર થઇ ગયા છે. સત્‍ય પ્રેમ કરૂણા તરફનો આદર, એ ચાદર તરફનો આદર પણ ઘણા એ છોડી દીધો છે. ઘણા હાથ ઉપર રામનામ લખાવી અને પસ્‍તાતા હોય એમ આખી બાંયના પહેરણ પહેરવા માંડયા છે !

બાપુએ જણાવ્‍યુ કે સીતા ચરિત્રપ્રધાન છે, રાધા લીલાપ્રધાન છે. રામનું ચરિત્ર છે, ભલે રામલીલા કહીએ છીએ પણ રામચરિત્ર માનસ શબ્‍દ છે. આ અવિશિષ્‍ટ ભાવ એકબીજા સાથે જોડાયેલો છે.

માતાજીની સ્‍તુતિમાં માતૃશકિતનાં ત્રણ સ્‍વરૂપઃ કન્‍યારૂપ, કુળવધુરૂપ અને માતૃરૂપની વંદના છે.

નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે, વડાપ્રધાનના મતક્ષેત્ર - કાશીમાં રાજઘાટથી મણિકર્ણિકા ઘાટ સુધીનો રસ્‍તો ખૂબ જ ખરાબ હતો અને ત્રણ જ મહિનામાં વિકાસ માટે થઇ અને ખુબ સુંદર આયોજન કરી મણિકર્ણિકા ઘાટ ઉપર રોજના ૩૦૦ જેટલા મૃતદેહો આવતા. એ પછી આજ સુધીમાં ૫૫ હજાર જેટલા મૃતદેહોને મંજિલે પહોંચાડવાનું સત્‍કાર્ય થયું છે. સાથે સાથે તેઓએ ત્રણ મહિનાની અંદર નવસારીને કુપોષણ મુકત કરવાનો સંકલ્‍પ અને ટીબી મુકત કરવાનો સંકલ્‍પ પણ જાહેર કર્યો.

આ રામકથામાં ૫૦ જેટલી ગણિકા બહેનોએ વ્‍યાસ વંદના કરી. બાપુએ કહ્યું કે, સાંસદ સી.આર.પાટીલે છઠ્ઠી રામકથા માગેલી છે, તેઓ પોતે કથા કરાવે ત્‍યારે કથા આપવા તૈયાર છે.

(4:15 pm IST)