Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીના ૪૧મા નિર્વાણ દિવસ અવસરે એમની જન્‍મભૂમિ ટોળ ખાતે કલાત્‍મક તકતીની સ્‍થાપના થઈ

મુનિશ્રી સંતબાલજીના ઐતિહાસિક જન્‍મસ્‍થળનો સુયોગ્‍ય રીતે જીર્ણોધ્‍ધાર કરીને તેને જીવંત સ્‍મારક તરીકે વિકસાવવામાં આવે તેવી લોકલાગણી છે

રાજકોટ, તા.૨૭: મહાત્‍મા ગાંધીના વિચારો-મૂલ્‍યોથી પ્રેરિત થઈને લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીએ ધર્મમય સમાજરચનારૂપે રાષ્‍ટ્રવાદ, શિક્ષણ, આરોગ્‍ય, ગ્રામ સ્‍વાવલંબન, સ્‍વરોજગારી, ખેડૂત-ગૌપાલકલક્ષી, ખાદી-ગ્રામોદ્યોગ, મહિલાઓ અને વંચિત સમાજનાં ઉત્‍થાનની વિવિધ સેવાકીય પ્રવળત્તિઓની જ્‍યોત જગાવી હતી. ૨૬ ઑગસ્‍ટ ૧૯૦૪ (શ્રાવણ સુદ પૂનમઃ બળેવ, વિક્રમ સંવત ૧૯૬૦)ના રોજ ટોળ (તાલુકો ટંકારા, જિલ્લો મોરબી) ખાતે જન્‍મેલાં મુનિશ્રી સંતબાલજીનું નિર્વાણ ૨૬ માર્ચ ૧૯૮૨ (ચૈત્ર સુદ એકમ : ગુડી પડવો, વિક્રમ સંવત ૨૦૩૮)ના રોજ મુંબઈ ખાતે થયું હતું.

આઝાદી કા અમળત મહોત્‍સવ તથા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મજયંતી વર્ષ અંતર્ગત મુનિશ્રી સંતબાલજીના ૪૧મા નિર્વાણ દિવસ અવસરે એમની જન્‍મભૂમિ ટોળ સ્‍થિત ગ્રામ પંચાયતની કચેરી ખાતે રેખાચિત્ર અને ઈતિહાસને આલેખતી ૪×૩.૫ ફૂટની કલાત્‍મક તકતીની સ્‍થાપના થઈ હતી. ઉપસ્‍થિત સહુએ મુનિશ્રી સંતબાલજીના ઐતિહાસિક જન્‍મસ્‍થળની મુલાકાત લઈને ભાવાંજલિ અર્પણ પણ કરી હતી.    

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપરાંત સરપંચ અબ્‍દુલભાઈ ગઢવાળા, તલાટી-મંત્રી ભાવિનભાઈ વિરમગામા, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટીના પૂર્વ-ચેરમેન અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, ટ્રસ્‍ટીઓ ગગુભાઈ ગોહિલ (કોચરીયા), અનિરુધ્‍ધસિંહ ચાવડા (સુંદરીયાણા) અને રમેશભાઈ બદ્રેશિયા (મોટી વાવડી), સર્વોદય સેવા સંઘ ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી, માટેલ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા  અને સૌરાષ્‍ટ્ર ગાંધીજી ગ્રામોધ્‍ધાર ટ્રસ્‍ટ (ગઢડા)ના નિયામક દિલીપભાઈ શુક્‍લ, ટોળના અગ્રણીઓ મેપાભાઈ ફાંગલિયા, ગુલાબભાઈ મેસાણિયા, મામદભાઈ ચૌધરી, હીરાભાઈ ફાંગલિયા, ઘેલાભાઈ ફાંગલિયા, અબ્‍બાસભાઈ ગઢવાળા, હનિફભાઈ મેસાણિયા, મોમભાઈ કુંભાભાઈ ભરવાડ અને લાલજીભાઈ કિડીયા, પત્રકારો મહેન્‍દ્રસિંહ જાડેજા અને જયેશભાઈ ભટાસણા, રમેશભાઈ ગાંધી, હસમુખભાઈ જૈન અને હસુભાઈ ઘાઘરેટીયાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. સાહિત્‍ય-શિક્ષણ-સંસ્‍કળતિ પ્રેમી,સંનિષ્ઠ મોરબી જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ (આઈએએસ)એ પણ લાગણીથી પ્રેરાઈને થોડા સમય પહેલા મુનિશ્રી સંતબાલજીના ઐતિહાસિક જન્‍મસ્‍થળની મુલાકાત લઈને માર્ગદર્શન આપ્‍યું હતું.    

 તકતીની પરિકલ્‍પના - આલેખન પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન તથા આર્થિક સહયોગ ગોવિંદસિંહ ડાભી - ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળનો છે.   

મુનિશ્રી સંતબાલજીના અત્‍યંત જર્જરિત ઐતિહાસિક જન્‍મસ્‍થળનો સુયોગ્‍ય રીતે જીર્ણોધ્‍ધાર કરીને તેને જીવંત સ્‍મારક તરીકે વિકસાવવામાં આવે તેમજ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ટોળ ખાતે અદ્યતન સમળધ્‍ધ પુસ્‍તકાલયની સ્‍થાપના થાય તેવી લોકલાગણી છે.

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન 

(મો.૯૮૨૫૦૨૧૨૭૯)

 

(10:51 am IST)