Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

૧૦ વર્ષે ભૂલ મળીઃ ધો.૭ના પુસ્‍તકમાં મનુબેનના બદલે કસ્‍તુરબા ગાંધીનો ફોટો

પાઠયપુસ્‍તક મંડળનો ગંભીર છબરડો :પાઠયપુસ્‍તક મંડળનો ગંભીર છબરડો વર્ષો પછી બહાર આવતા ફોટો બદલવા માગ

અમદાવાદ,તા.૨૭: ધો.૭ ના ગુજરાતીના પાઠય પુસ્‍તકમાં ગંભીર છબરડો ૧૦ વર્ષ બાદ સામે આવ્‍યો છે. પાઠય પુસ્‍તક મંડળ દ્વારા ગુજરાતીના પુસ્‍તકમાં મનુબેન ગાંધીના બદલે કસ્‍તુરબા ગાંધીનો ફોટો છાપવામાં આવ્‍યો છે. જો કે આટલા વર્ષો બાદ આ ભુલ પર ધ્‍યાન જતાં તાકીદે સુધારો કરવામાં આવે તેવી માંગણી ઊઠી છે. ઉપરાંત પાઠય પુસ્‍તકોમાં વારંવાર થતાં છબરડા કયારે બંધ થશે ? તેવો સવાલ પણ ઉઠવા પામ્‍યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ-૭ ગુજરાતી પ્રથમ સત્રના પુસ્‍તકમાં ગંભીર પ્રકારની ભુલ થઈ હોવાનું સામે આવ્‍યું છે. આ પુસ્‍તકમાં પ્રકરણ નંબર-૪ બે ખાનાનો પરિગ્રહ છે. આ પ્રકરણ મનુબેન ગાંધીને લગતું છે અને તે અંગેની નોંધ પણ પુસ્‍તકમાં લખેલી છે. પરંતુ ત્‍યાં મનુબેન ગાંધીના બદલે કસ્‍તુરબા ગાંધીનો ફોટો છાપવામાં આવ્‍યો છે. આમ, પાઠય પુસ્‍તક મંડળ દ્વારા ફેટો છાપવામાં ભુલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ પુસ્‍તક સૌપ્રથમ વખત ૨૦૧૩માં તૈયાર કરાયેલું ત્‍યારબાદ દરવર્ષે તેનું પુનઃ મુદ્રણ થતું હતું. આમ, છેલ્લા ૧૦ વર્ષથી આ પુસ્‍તકમાં ગંભીર છબરડો જતો હોવા છતાં કોઈના ધ્‍યાને આ મુદ્દો આવ્‍યો ન હતો. જોકે, હવે આ મુદ્દે ધ્‍યાન જતાં પાઠય પુસ્‍તક મંડળનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું છે અને આ ફોટો બદલવામાં આવે તેવી માગણી પણ ઊઠી છે.મનુબેન ગાંધી ગાંધીજીના પિતરાઈ ભાઈની પૌત્રી છે, પરંતુ પુસ્‍તકમાં તેમના બદલે કસ્‍તુરબા ગાંધીનો ફેટો છાપવામાં આવ્‍યો છે.

(10:35 am IST)