Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ર૯ માર્ચથી નવુ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિય થાય ફરી માવઠાની હવામાન વિભાગની આગાહીઃ અમદાવાદ સહિત રાજયમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડશે

જો કે હજુ ત્રણ-ચાર દિવસ ગરમી વધવાની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ર૯ મીથી ફરી માવઠાની આગાહી આવતા ચિંતા પ્રસરી છે.

ગુજરાતમાં ક્યારેય ન જોવા મળ્યું હોય તેવો વાતાવરણનો પલટો છેલ્લાં કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યો છે. ક્યારે વરસાદ આવે, ક્યારેય ગરમી પડે અને ક્યારે ઠંડી પડે કંઈ કહેવાય નહિ. હવે એવી સ્થિતિ છે કે લોકોને વેધર રિપોર્ટ જોઈને ઘરની બહાર નીકળવુ પડે છે. અથવા તો હવામાનની આગાહી વાંચીને ક્યાંક બહાર જવાનુ પ્લાનિંગ કરવું પડે છે. આવામાં અત્યાર સુધી તો ગુજરાતમાં કમોસમી વરસાદે ત્રાસ ગુજાર્યો હતો. પરંતુ હવે ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યું હોય તેવુ વાતાવરણ જોવા મળશે. હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાશે. 29 માર્ચથી ફરી તોફાની પવન સાથે માવઠું વરસી શકે છે. આ છે થંડર સ્ટ્રોમની આગાહી.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ અને રાજ્યમાં તોફાની પવન સાથે માવઠું થવાની આગાહી છે. રાજસ્થાન અને હરિયાણાની આસપાસ સક્રિય સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી શનિવારે દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાયો હતો. જેની અસર હજી જોવા મળશે. આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો 3થી 5 ડિગ્રી વધી શકે છે.

હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. અપડેટ અનુસાર, આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. છુટાછવાયા વિસ્તારમાં ઠંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે. જોકે, આ 2 દિવસ બાદ વરસાદ નહિ રહે. આગામી 4 દિવસ બાદ તાપમાન વધશે. હાલ અમદાવાદમાં 34 ડિગ્રી અને ગાંધીનગર માં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાન તરફ સર્ક્યુલશનને લઈને ગુજરાતમાં વરસાદ રહેશે.

ગુજરાતમાંથી હજી માવઠાની ઘાત ટળી નથી તે વિશે અંબાલાલ પટેલે આગાહી કરી કે, હજી પણ માવઠું અને હવામાનમાં પલટો આવશે. 25-26 માર્ચે દરિયામાં હલચલ જોવા મળતા ભેજની અસર પૂર્વી રાજસ્થાન સુધી રહેશે. 30-31 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં તારીખ 3 અને 8 એપ્રિલ સુધીમાં ફરી માવઠાની આગાહી છે.

તેમણે કહ્યું કે, 8 થી 14 સુધીમાં પણ હવામાનમાં પલટા આવશે. અખાત્રીજ આસપાસ પણ વાદળવાયું વાતાવરણ રહેશે. 26 મી એપ્રિલ બાદ ગરમી પડતા મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર કરશે. તો તેમણે ગુજરાતમાં આંધી-તોફાનની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 8 મે થી ગુજરાતમાં આંધી તુફાન આવવાથી વરસાદ રહેશે.

ગઈકાલે વડોદરાના સાવલીમાં કમોસમી માવઠું થયું હતું. પવન વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. જેને કારણે વાહન ચાલકો અને બાઇક ચાલકો અટવાયા હતા.

ગુજરાતમાં સતત બદલાઈ રહેલા હવામાનને લઇને અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, માર્ચ મહિનામાં આવો વરસાદ અત્યાર સુધી મારા જોવામાં નથી આવ્યો. અરબી સમુદ્ર અને અરબ સાગરનો ભેજ ગુજરાત તરફ સર્ક્યુલેટ થઇ રહ્યો છે જેનાથી વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં સર્ક્યુલેટ થતા વાદળોનો સમૂહ હિમાલયના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠાંડા પડતા અને વાદળો અથડાવવાથી કરા અને વીજ પ્રપાત થઇ રહ્યાં છે. આ વખતે કમોસમી વરસાદની શક્યતા યથાવત છે. અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના ડુંગરમાળા ઈરાન અફઘાનિસ્તાન તરફથી આવતા પવનોને અટકાવે છે. ગુજરાતને સમાંતર 1.5 ઉંચાઈએ આ ડુંગરો જયારે અરબી સમુદ્રથી આવતા પવનોને અટકાવે છે ત્યારે ગુજરાતમાં માવઠા થાય છે.

(12:39 pm IST)