Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળને સૌ સાથે મળી "એક ભારત-શ્રેષ્ઠ ભારતના" મંત્રને અમૃતમય બનાવીએઃ ગુજરાતી દેશ-દુનિયામાં જ્યાં પણ વસતો હોય ત્યાંના વિકાસમાં મદદગાર-સંવાહક બને છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આજે વિશ્વભરમાં ભારતની શાખ-પ્રતિષ્ઠા છવાઈ છે, તેનું ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈએ : વિકાસની રાજનીતિમાં જનતા જનાર્દને મૂકેલો ભરોસો-વિશ્વાસ બરકરાર રાખી નરેન્દ્રભાઈનું નેતૃત્વ વધુ મજબૂત બનાવીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કર્ણાટકના બેંગ્લોરમાં કર્ણાટક ગુજરાતી સમાજ અને ગુજરાત સરકારના બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સદાકાળ ગુજરાત કાર્યક્રમના અતિથિવિશેષપદે ઉપસ્થિત : ગુજરાતના એન.આર.જી. પ્રભાગના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, બેંગ્લોર દક્ષિણના સાંસદ અને ભાજપા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કર્ણાટક ભાજપા અધ્યક્ષ નલિનકુમાર કટીલ અને સાંસદ પી.સી. મોહન તેમજ ગુજરાતી સમાજના અગ્રણીઓ કાર્યક્રમમાં સહભાગી થયા

રાજકોટ તા.૨૬ :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળને એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રથી સૌ સાથે મળી અમૃતમય બનાવે તેવું પ્રેરક આહવાન કર્યું છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશ અને દુનિયામાં જ્યાં ક્યાંય પણ ગુજરાતી વસે છે, ત્યાં વિકાસમાં મદદગાર અને વિકાસના સંવાહક બન્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કર્ણાટકના બેંગ્લોરમાં કર્ણાટક ગુજરાતી સમાજ અને ગુજરાત સરકારના બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સદાકાળ ગુજરાત કાર્યક્રમના અતિથિવિશેષપદેથી સંબોધન કરી રહ્યા હતા.

ગુજરાતના એન.આર.જી. પ્રભાગના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, બેંગ્લોર દક્ષિણના સાંસદ અને ભાજપા યુવા મોરચાના પ્રમુખશ તેજસ્વી સૂર્યા, કર્ણાટક ભાજપા અધ્યક્ષશ્રી નલિનકુમાર કટીલ અને સાંસદ પી.સી. મોહન તેમ જ ગુજરાતી સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગાંધીજી અને સરદાર પટેલ એમ ગુજરાતના બે સપૂતોની જોડીએ દેશને સ્વરાજ્ય અપાવ્યું. હવે શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈની જોડી સુરાજ્ય સાથે વિશ્વભરમાં ગુજરાતનું અને દેશનું ગૌરવ-સન્માન વધારી રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે, ભારતની એક સમયે વિશ્વના દેશો નોંધ પણ લેતા ન હતા. તે હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ શું કહે છે તે ધ્યાન દઈને સાંભળે છે.

‘આજે આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાને પરિણામે વિદેશમાં જે કાંઈ નવી ટેકનોલોજી કે નવિન બાબતો આવે છે તે એ જ સમયે ભારતમાં પણ આવી જાય એવી સજ્જતા આપણે કેળવી છે.’ એમ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે મેળવેલી વિશ્વપ્રતિષ્ઠાનો ગૌરવસહ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું.

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ભારત માતાને આવી આગવી પ્રતિષ્ઠા અપાવનારા વડાપ્રધાન ગુજરાતની ધરતીના સંતાન છે તેનું દરેક ગુજરાતી વિશ્વભરમાં ગૌરવ લે છે.

ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પાર કરી છે, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રણોત્સવ જ્યારે તેમણે શરૂ કરાવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે વિશ્વભરના લોકો આ સફેદ રણ જોવા આવશે.

આજે આ રણ વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજીધામનું ડેવલપમેન્ટ, સાથે ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઈ.આર., જેવા વર્લ્ડક્લાસ પ્રકલ્પો વિકસાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના હોલિસ્ટિક એન્ડ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટની નવી સિદ્ધિઓ પાર કરાવી છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, આજે ગુજરાત જે ઊંચાઈએ છે, તેમાં લોકોનો સહયોગ અને જનતા જનાર્દને વિકાસમાં મૂકેલો વિશ્વાસ છે. આ જ વિશ્વાસ, આ જ ભરોસો દેશની જનતાએ શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં મૂકીને તેમને દેશનું સેવાદાયિત્વ સોંપ્યું છે.

તેમણે જણાવ્યું કે, આ જ ભરોસો, આ જ વિશ્વાસ આવનારા દિવસોમાં દેશનાં અન્ય રાજ્યો પણ બરકરાર રાખશે અને દેશભરમાં વિકાસની રાજનીતિ, સુશાસન તથા ભારત માતાના ગૌરવ-પ્રતિષ્ઠા પર મંજૂરીની મહોર મારશે એ વાત નિશ્ચિત છે.

કર્ણાટક અને બેંગ્લોરમાં સ્થાયી થયેલા તથા વિવિધ ક્ષેત્રે સેવાપ્રદાનથી ગુજરાતીતા ઝળકાવનારા 15 જેટલી વ્યક્તિઓનું આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

બિનનિવાસી ગુજરાતી પ્રભાગ અને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કર્ણાટકમાં વસતા ગુજરાતી પરિવારોને રાજ્યના વિકાસના પ્રતિનિધિ ગણાવ્યા હતા.

તેમણે કહ્યું કે, કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ મળીને 84 જેટલી ગુજરાતી સમાજો-સંગઠનો છે, તે સૌ કર્ણાટકના વિકાસ માટે પોતાનું યોગદાન આપીને અહીં પણ ગુજરાતીતા ઝળકાવે છે.

સદાકાળ ગુજરાત કાર્યક્રમ ગુજરાતના સર્વગ્રાહી અને આધુનિક વિકાસને અન્ય પ્રાંતપ્રદેશમાં વસતા લોકો સમક્ષ ઉજાગર કરવાનો ઉપક્રમ છે, તેની પણ ભૂમિકા શ્રી હર્ષ સંઘવીએ આપી હતી.

આ સદાકાળ ગુજરાત કાર્યક્રમમાં બિનનિવાસી ગુજરાતી પ્રભાગના સચિવ ધનંજય દ્વિવેદી, એન.આર.જી. ફાઉન્ડેશનના ડિરેક્ટરશ્રી રોર તથા અધિકારીશ્રીઓ અને ગુજરાતી સમાજ કર્ણાટકના પ્રમુખ કાંતિભાઈ પટેલ તેમ જ હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ગુજરાતી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

(9:22 pm IST)