Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

બનાસકાંઠા :વીજળીની માંગ સાથે ખેડૂત મહિલાઓ દાતરડા લઇને વખા સબ સ્ટેશને પહોંચતા આંદોલન વધુ ઉગ્ર બન્યું

છેલ્લા પાંચ દિવસથી દિયોદર અને કાંકરેજ તાલુકા ના ખેડૂતો 8 કલાક વીજળીની માંગ સાથે ધરણા પર બેઠા છે,

બનાસકાંઠા જિલ્લાના વખા સબ સ્ટેશન ખાતે છેલ્લા પાંચ દિવસથી દિયોદર અને કાંકરેજ તાલુકા ના ખેડૂતો 8 કલાક વીજળીની માંગ સાથે ધરણા પર બેઠા છે, આજે ધરણાના સમર્થનમાં ખેડૂત મહિલાઓ પણ દાતરડા લઈને વખા સબ સ્ટેશન ખાતે પહોંચી હતી. દાંતરડા સાથે મહિલાઓ આંદોલનમાં પહોંચતા આંદોલન ઉગ્ર બન્યું છે.

દાતરડા સાથે આંદોલન સ્થળે પહોંચતી મહિલાઓ ટ્રેક્ટરમાં ઢોલ સાથે નીકળેલા ખેડૂતો બાઈક પર જય કિસાન જય જવાનના નારા લગાવતા હતા. ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલ બનાસકાંઠાના વખા સબ સ્ટેશન ખાતે પાંચ દિવસથી ચાલતા વીજ આંદોલનમાં ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીની આગેવાનીમાં 5 દિવસથી 8 કલાકની વીજળીની માગ સાથે ધરણા પર બેઠા છે. ધરણાના પાંચમા દિવસે ખેડૂત મહિલાઓ પણ પાક કાપવાના દાતરડા સાથે ટ્રેક્ટરોમાં ભરીને વખા સબ સ્ટેશન ખાતે પહોંચી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આંદોલનના સમર્થનમાં છેલ્લા બે દિવસથી ખેડૂત નેતા પાલ આંબલિયા પણ વખા સબ સ્ટેશન પર ધરણામાં બેઠા છે. આજે ખેડૂત નેતા પાલ આંબલિયા એ ઉર્જા મંત્રીના 6 કલાક વીજળી વાળા નિવેદનને ડંફાંસો ગણાવી હતી. વધુમાં તેમને જણાવ્યું હતું કે સરકારે આઠ કલાકમાંથી છ કલાક વીજળી કરીને બે કલાક વીજળીની ઓછી આપવાની જાહેરાત કરી છે.

વીજળી આંદોલનના પાંચમા દિવસે કોંગ્રેસના દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા અને ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ પણ ધરણાં સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતના દિકરા તરીકે ખેડૂતોના ધરણાને સમર્થન જાહેર કર્યું હતું અને સરકારને આઠ કલાક પૂરતી વીજળી આપવા માંગ પણ કરી હતી. જ્યારે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ નિવેદન આપ્યું હતું કે, સરકાર આઠ કલાક વીજળી આપવાની જાહેરાત નહીં કરે તો આવતીકાલે કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિધાનસભા ખાતે રેલી કાઢીને દેખાવ કરશે.

પાંચમાં દિવસે વીજ આંદોલન ઉગ્ર બન્યું હતું. દાતરડા સાથે મહિલાઓ વખા વીજ સબ સ્ટેશનની ઓફીસ ઘેરી લીધી હતી. બનાસકાંઠાના દિયોદર અને કાંકરેજ તાલુકાના આઠ કલાક વીજળી માટેના ખેડૂત આંદોલને ગુજરાત અને દેશના ખેડૂત સંગઠનોનું પણ સમર્થન મળી રહ્યું છે તેવો દાવો ખેડૂત આગેવાનો કરી રહ્યા છે.

ખેતી માટે આઠ કલાક વીજળી માગ સાથે ચાલી રહેલા આંદોલનનો આજે પાંચમો દિવસ રહ્યો હતો ત્યારે રાત્રે ખેડૂતો આંદોલન સ્થળે રમેલનો કાર્યક્રમ યોજશે. ત્યારે આવતીકાલે રસ્તા પર ભીખ માગવાનો અને ખેડૂત મુંડણનો કાર્યક્રમ યોજવાનો છે.

(10:22 pm IST)