Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

ભિલોડા નજીક એક ટ્રેક્ટર પલટી મારતા ગમખ્વાર અકસ્માત: એક મહિલાનું મોત : 20થી વધુ ઘાયલ

રાજસ્થાનના પાલીસોડાથી જબચીતરિયા ગામે લોકાચારે જતા અકસ્માત :ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર અને શામળાજી ખસેડાયા: 3 મુસાફરોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અન્યત્ર રિફર કરાયા

અરવલ્લી જિલ્લાના ભિલોડા નજીક એક ટ્રેક્ટર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 1નું મોત નીપજ્યું છે, જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગ્રામજનો ટ્રેક્ટર સાથેની ટ્રોલીમાં સવાર થઈને રાજસ્થાનના પાલીસોડાથી જબચીતરિયા ગામે લોકાચાર માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક્ટર ભિલોડાના વસાયા ગામના ઢાળ પર પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ટ્રેક્ટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેલર પલટી મારી ગયું હતું. જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં સવાર 1 મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે શામળાજી અને હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુલ ઈજાગ્રસ્તો પૈકા 3 મુસાફરોની હાલત ગંભીર જણાતા તેઓની વધુ સારવાર માટે અન્યત્ર રિફર કરવામાં આવ્યા છે.

(9:56 pm IST)