Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

હવે રાજ્યના તલાટી કમમંત્રી ભજન મંડળીની વિગતો તૈયાર કરવાની સોંપેલી કામગીરીનો કોંગ્રેસે કર્યો વિરોધ

કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ કહ્યું કે તલાટીઓને પંચાયત અને મહેસુલની કામગીરી કરવાની હોય છે. જ્યારે ભાજપ સરકાર વ્યવસ્થા ખોરવવાનું કામ કરી રહી છે. આ અગાઉ શિક્ષકોને અલગ અલગ કામ સોંપીને શિક્ષણ વ્યવસ્થા ખોરવી હતી

અમદાવાદ :હવે રાજ્યના તલાટી કમમંત્રી પોતાના વિસ્તારમાં આવતા ગામોની ભજન મંડળીની યાદી તૈયાર કરશે. પોતાના વિસ્તારમાં આવતા તમામ ગામડામાં ચાલતી ભજન મંડળીની વિગત એકઠી કરવી પડશે.તલાટીઓને ગામની ભજન મંડળીની યાદી તૈયાર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે..આ અંગે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની સૂચનાથી વિકાસ કમિશનરની કચેરી તરફથી તમામ જિલ્લા વિકાસ અધિકારીને આદેશ આપી દીધો છે અને તલાટીઓને યાદી તૈયાર કરવા સૂચના આપી દેવાઇ છે. રાજ્ય સરકારના આ આદેશનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. તેમજ કહ્યું છે કે સરકાર તલાટી પાસે પ્રજાના કામો કરાવે અને સરકારી યોજનાનો લાભ વધુ લોકો કેવી રીતે મેળવી શકે તે માટે આદેશ આપવા જોઇએ જેના બદલે સરકાર નકામા કામ તલાટીઓ પાસે કરાવે છે. તેના બદલે તલાટીને મૂળ કામ સોંપવું જોઇએ.

 

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તલાટીઓને પંચાયત અને મહેસુલની કામગીરી કરવાની હોય છે. જ્યારે ભાજપ સરકાર વ્યવસ્થા ખોરવવાનું કામ કરી રહી છે. આ અગાઉ શિક્ષકોને અલગ અલગ કામ સોંપીને શિક્ષણ વ્યવસ્થા ખોરવી હતી, અને હવે 3 થી 5 ગામો વચ્ચે 1 તલાટી છે તેમની પાસે મૂળ કામગીરી કરાવવાને બદલે ભજન મંડળીની યાદી તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જેને કારણે ગામના લોકોને ભજન કરવા પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. તેમજ પંચાયત મંત્રીએ ગેરબંધારણીય રીતે આ પરિપત્ર કર્યો છે

(9:36 pm IST)