Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

દુકાનમાંથી સોના ચાંદી અને રોકડની લાખો રૂપિયાની ચોરી

અરવલ્લીના બાયડ તાલુકાના ડેમાઈ ગામની ઘટના :ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરી : જવેલર્સ માલિક પર આભ તૂટી પડ્યું

અરવલ્લી, તા.૨૭ : જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે આવેલ ચામુંડા જવેલર્સમાં સોના ચાંદી અને રોકડની લાખો રૃપિયાની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ત્રણ ટિમો બનાવી તપાસ શરૃ કરી છે.

ડેમાઈ ગામે મોડાસા-નડિયાદ સ્ટેટ હાઈવે પર આવેલ ચામુંડા જવેલર્સમાં તસ્કરોએ હાથફેરો કરી ૭૦૦ ગ્રામ સોનુ અને ૧૭ કિલો ચાંદી અને ૯૦ હજાર રૃપિયા રોકડા મળી ૪૮.૭૫ લાખની મત્તા લઈ તસ્કરો પલાયન થઈ જતા જવેલર્સ માલિક પર આભ તૂટી પડ્યું છે.

તસ્કરોએ રાત્રીના સમયે બંધ દુકાનના આગળના દરવાજાના તાળા તોડી આગળની ગ્રીલનો નકુચો છૂટો પાડી દુકાન અંદર ઘુસી દુકાન રફેદફે કરી નાખી તસ્કરો એ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. આગળ દુકાન અને પાછળ મકાન હોવાથી પરિવાર પાછળ સૂતો હતો હોવા છતાં તસ્કરોએ બિન્દાસ્ત બની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીને અંજામ આપનારા ત્રણ ચોર સીસીટીવીમાં કેદ થયા છે. જવેલર્સના માલિકે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

જવેલર્સની દુકાનમાં બનેલ ચોરીની ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી સહિતનો પોલીસ કાફલો તપાસ માટે દોડી આવ્યો હતો. લાખ્ખો ની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાતા તપાસ જિલ્લા એલસીબીને સોંપવામાં આવતા એલસીબી દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી અલગ અલગ ત્રણ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે. હાલ તો પીલોસ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ ચલાવાઇ રહી છે.

 

(9:21 pm IST)