Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

દેશની આરોગ્ય સેવાઓને પોષણક્ષમ અને સર્વસુલભ બનાવવા માટે કેન્દ્ર સરકાર સંકલ્પબધ્ધઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ રૂ.૭૦ કરોડના ખર્ચે સાકારિત થયેલી સરકારી મેડિકલ કોલેજના અદ્યતન ભવનનું લોકાર્પણ કર્યું:રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજોનું નિર્માણ થાય તે દિશામાં રાજય સરકાર મક્કમતાપૂર્વક આગળ વધી રહી છેઃ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ

સુરતઃ  દેશ અને રાજ્યમાં વધતી જતી તબીબોની માંગને પહોંચી વળવાના પ્રયાસોના ભાગરૂપે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે રૂ.૭૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલી અદ્યતન સરકારી મેડીકલ કોલેજનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશની આરોગ્ય સેવાઓને પોષણક્ષમ અને સર્વસુલભ બનાવવા માટે વડાપ્રધાનના નેતૃત્વમાં નવી મેડિકલ કોલેજોનું નિર્માણ તથા એમ.બી.બી.એસ.ની સીટોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અદ્યતન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકારે મેડિકલ કોલેજોની સ્થાપના માટેના નિયમોનું સરળીકરણ કર્યું છે. કેન્દ્ર સરકાર ઝડપભેર આરોગ્યક્ષેત્રે કાર્ય કરી રહી હોવાની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ૨૦૧૪ના વર્ષમાં ૩૨૭ મેડિકલ કોલેજોની સંખ્યા હતી જેને વધારીને આજે ૫૯૬ કરવામાં આવી છે. તેવી રીતે MBBSની ૫૨,૦૦૦ની સીટોમાં વધારો કરી ૯૨,૦૦૦ કરવામાં આવી છે જે આ વર્ષે વધીને એક લાખ સુધી પહોચી જશે. આ ઉપરાંત PGની ૩૧,૦૦૦ સીટોમાં વધારો કરીને ૬૪,૦૦૦ કરવામાં આવી છે. મેડિકલ કોલેજની એક સીટ ઉપલબ્ધ કરવા માટે સરકાર ૧.૨૦ કરોડનો ખર્ચ કરી રહી છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં સરકાર મક્કમતાપુર્વક આગળ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં પાંચ જિલ્લામાં પાંચ મેડિકલ કોલેજોને મંજુરી આપવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.
 મંત્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના છેવાડાના ગરીબ અને વંચિત લોકોને સારી અને ગુણવત્તાયુકત સ્વાસ્થ્ય સેવાઓ સુલભ બને તે માટે એક એમ.બી.બી.એસ. ડોકટર તૈયાર કરવા ત્રણથી ચાર કરોડનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે ડોકટરો પણ સમાજ પ્રત્યેનું સેવાદાયિત્વ નિભાવે તે જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક અને સામૂહિક કેન્દ્રો ખાતે ડોકટરોને આરોગ્યસેવા કરવા માટેની હિમાયત તેમણે કરી હતી. તેમણે દેશના ડોક્ટરો અને મેડિકલ શિક્ષકોને નવી દવા અને રસીના સંશોધન તરફ ધ્યાન કેન્દ્રીત કરવાની અપીલ કરી હતી.
   આ પ્રસંગે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્યની સગવડ જનજન સુધી પહોંચી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે. જેથી દરેક જિલ્લામાં એક મેડીકલ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. સુરત શહેર આગામી સમયમાં મેડિકલ હબ બને તે પ્રકારનું કાર્ય રાજય સરકાર સંકલ્પબધ્ધ છે. સંવેદનશીલ રાજ્ય સરકાર સિનીયર સિટીઝન્સને ઘર આંગણે દવા અને વિવિધ હેલ્થ ટેસ્ટ કરાવી શકે તે માટેનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવનાર છે.
 આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસમંત્રી વિનુભાઈ મોરડીયા, સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય સર્વ ધારાસભ્ય વિવેક પટેલ, શ્રીમતી સંગીતાબેન પાટીલ, વી.ડી.ઝાલાવડીયા, દ.ગુ.યુનિ.વાઈસ ચાન્સેલર કે.એન.ચાવડા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, મેડિકલ કોલેજના ડીન ડો.ઋતંભરા મહેતા, મેડીકલ કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
સરકારી મેડિકલ કોલેજના નવા ભવનની ઝલક:
  નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે કેન્દ્ર સરકારની કુલ રૂ.૧૨૦ કરોડની ગ્રાન્ટ સાથે ન્યુ મેડિકલ કોલેજ બિલ્ડીંગનું નિર્માણ બે તબક્કામાં કરવામાં આવનાર છે. જે પૈકી પ્રથમ તબક્કામાં રૂ.૭૦.૧૮ કરોડના ખર્ચે કુલ ૩૩,૯૬૩ ચોરસ મીટરમાં નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું  છે. નવા બિલ્ડીંગમાં કુલ ૫ માળ, પાર્કિંગની સુવિધા માટે ગ્રાઉન્ડ ફ્લોર, વહીવટી બ્લોક, ૭૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા ૩ પરીક્ષા હોલ સહિત ૩૦૦ વિદ્યાર્થીઓને સમાવી શકે તેવા ૪ લેક્ચર હોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બિલ્ડીંગમાં ઉત્તમ કક્ષાની ફાયર સલામતી, સ્ટાન્ડર્ડ   લિફ્ટ, શ્રેષ્ઠ વેન્ટિલેશન સહિતની સુવિધાઓથી સજ્જ છે.

(8:21 pm IST)