Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

ઉનાળાની શરૃઆતમાં જ શાકભાજીના ભાવ આસમાને

લીંબુનો ભાવ રૃપિયા ૨૦૦ સુધી પહોંચ્યો : ઉનાળામાં શાકભાજીના ભાવ વધતા જ હોય છે, પરંતુ અત્યારથી આટલો બધો ભાવ વધી જતાં લોકો પરેશાન

અમદાવાદ, તા.૨૭ : મોંઘવારી દેશની જનતા પર જાણે ચારે બાજુથી વાર કરી રહી છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી તો લોકો પરેશાન હતા જ, સાથે જ એવી જાણકારી સામે આવી કે ૮૦૦થી વધારે દવાઓની કિંમતોમાં ૧૦ ટકા સુધીનો વધારો થવાનો છે. અને આટલુ ઓછું હોય તેમ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. હજી તો ઉનાળાની શરુઆત થઈ છે અને શાકભાજીના ભાવ બમણાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં શાકભાજી ઓછી આવતી હોવાને કારણે તેના ભાવમાં વધારો નોંધાતો હોય છે. પરંતુ શરુઆતમાં જ આટલા બધા ભાવ વધી જતાં ચોક્કસપણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે.

લીંબુની જ વાત કરીએ તો, છૂટક બજારમાં લીંબુનો ભાવ ૨૦૦ રુપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે. નોંધનીય છે કે દર વર્ષે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો મુખ્ય બજારો સહિત શહેરના વિવિધ વિસ્તારોના શાક માર્કેટમાં આ ભાવવધારો જોવા મળતો હોય છે. ૧૦ દિવસ પહેલા લીંબુ ૭૦ રુપિયા પ્રતિ કિલો મળતા હતા. અને હવે લીંબુનો ભાવ ૨૦૦ રુપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ગૃહિણીઓ ઓછાભાવે લીંબુ ખરીદવા માટે બજારોમાં ફરી રહી છે પરંતુ તમામ વેપારીઓ લગભગ એક જ ભાવે વેચી રહ્યા છે. વાત માત્ર લીંબુની નથી, અન્ય શાકભાજીઓના ભાવ પણ રોકેટગતિએ વધ્યા છે જેના કારણે ગૃહિણીઓ પરેશાન છે. અન્ય શાકભાજીઓની જેમ આગામી સમયમાં ડુંગળી અને બટેટાના ભાવ પણ વધે તેવી આશંકા વેપારીઓ સેવી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ઉનાળાની શરુઆતમાં શાકભાજીની આવક ઘટવાને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. માત્ર છૂટક જ નહીં, હોલસેલ માર્કેટમાં પણ શાકભાજીના ભાવ ૧૦ દિવસમાં બમણાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં લીંબુનો વપરાશ ઘણો વધારે હોય છે, તેની સામે માર્કેટમાં લીંબુ ઓછા આવી રહ્યા છે, જેના પરિણામે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અહીં એક પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે સીઝનની શરુઆતમાં શાકભાજી આટલી મોંઘી છે તો આગળ જતાં તેમાં કેટલો વધારે થશે. ઉલ્લેખનીય છે કે ટમેટા પણ અત્યારે ૩૦ રુપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. ગુવાર ૧૫૦ રુપિયા, ભીંડા ૮૦ રુપિયા, મરચાં ૧૬૦ રુપિયા, ફુલાવર ૪૦ રુપિયા, કોબીજ ૪૦ રુપિયા, આદુ ૮૦ રુપિયા, લસણ ૮૦ રુપિયા, રીંગણ ૮૦ રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

(8:06 pm IST)