Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

ગુજરાતમાં કાળઝાળ ગરમી કાળો કહેર : હીટવેવની સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું

ગરમી મામલે રાજ્યના લોકો માટે રાહત નહિ મળે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં અસર વર્તાશે. તાપમાનનો પારો મહત્તમ 41 ડિગ્રી સુધી જઈ શકે. જોકે, વાદળછાયું વાતાવરણ રહેવાથી તાપથી આંશિક રાહત મળશે.

અમદાવાદ :ગુજરાતમાં કાળઝાળ ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. હીટવેવની સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. જેથી આગામી 2થી 3 દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 28 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમ અને સૂકા પવનો ફૂંકાતા તાપમાનમાં 2થી 4 ડિગ્રી વધી શકે છે. શનિવારે 41.7 ડિગ્રી તાપમાન સાથે ભૂજ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યા હતા. તો અમદાવાદમાં પણ 41.2 ડિગ્રી સાથે અગવર્ષા જોવા મળી હતી. દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી વધીને 41.2 ડિગ્રી થઇ ગયું હતું. કાળઝાળ ગરમીના લીધે બપોરના સમયે લોકોને કામ વગર બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે. તો લોકો પણ ગરમીથી બચવા બપોરના સમયે ઘરમાં જ પૂરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે હીટવેવથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાનું આગ્રહ રાખવા તબીબો સલાહ આપી રહ્યા છે.

રાજ્યના કેટલાક વિસ્તાર માટે હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ગરમી નું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં પણ ગરમી વધશે.

હવામાન વિભાગના એક્સપર્ટ મનોરમા મહોંતીએ જણાવ્યુ કે, ગરમી મામલે રાજ્યના લોકો માટે રાહત નહિ મળે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં અસર વર્તાશે. તાપમાનનો પારો મહત્તમ 41 ડિગ્રી સુધી જઈ શકે. જોકે, વાદળછાયું વાતાવરણ રહેવાથી તાપથી આંશિક રાહત મળશે.

ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તાપમાન તેજીથી વધી રહ્યુ છે. આઈએમડીના અપડેટ અનુસાર, આજે તેજ હવાઓ ચાલશે અને મોસમ પણ શુષ્ક રહેશે. આજે દેશના અલગ અલગ ભાગોમાં હિટવેવનો પ્રકોપ શરૂ થવા જઈ રહ્યો છે. આગામી દિવસોમાં ધીરે ધીરે પૂર્વ તરફ વધવાની શક્યતા છે.

(1:15 pm IST)