Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ગળતેશ્વર તાલુકાના કુણી ગામે સાસરિયાના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ ફરિયાદ નોંધાવી

ગળતેશ્વર:તાલુકાના કુણી ગામે રહેતા ફરિયાદી કરિશ્માબાનુના લગ્ન ગત ૧-૬-૧૩ના રોજ ઉમરેઠ ખાતે રહેતા સાદતહુસેન શરીફમીંયા શેખ સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા. શરૂનું લગ્નજીવન સુખરૂપ પસાર થયું હતુ જેને લઈને બે સંતાનોની પ્રાપ્તી થઈ હતી. પરંતુ છેલ્લા છ મહિનાથી પતિ સાદતહુસેન તેણીને પિયરમાં જવા દેતા નહોતા અને ઘરમા નાની-નાની બાબતોએ તેણીને મારઝુડ કરીને ત્રાસ ગુજારતા હતા. સસરા શરીફમીંયા તેમજ જેઠ ઝાકીરહુસેન ઘરમાં કોઈ ના હોય ત્યારે તેણીનો હાથ પકડીને શારીરીક છેડછાડ કરતા હતા. જેઠ દ્વારા તેણીના શારીરીક સંબંધ રાખવા માટેની માંગણી કરવામાં આવતી હતી. પરિણીતા પોતાનું લગ્નજીવન નંદવાઈ ના જાય તે માટે બધો ત્રાસ સહન કરતી હતી. પતિને જો આ અંગે ફરિયાદ કરવામાં આવે તો તે પોતાના પિતા અને ભાઈનું ઉપરાણુ લઈને તેણીને મારઝુડ કરતા હતા.

ગત ૨૪મી ઓક્ટોબરના રોજ તેણીના ફોઈને ત્યાં લગ્ન હોવાથી ત્યાં જવાનું કહેતા જ પતિએ ના પાડી હતી અને ઝઘડો કર્યો હતો. જેથી તેણી ઘરેથી નીકળીને પોતાના પિયર જતી રહી હતી. આ અંગે તેણીએ ઉમરેઠ પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે પતિ સાદતહુસેન, જેઠાણી શબનમબાનુ, જેઠ ઝાકીરહુસેન, સસરા શરીફમીંયા અને સાસુ મુમતાઝબાનુ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(5:18 pm IST)