Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આણંદ નજીક નાવલીમાં ગણેશ મહોત્સવ દરમ્યાન નજીવી બાબતે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

આણંદ:નજીકના નાવલી ગામે આજે મોડી રાત્રે ગણેશ મહોત્સવ દરમ્યાન લગાવાયેલ બોર્ડ ઉતારવા મામલે ક્ષત્રિય અને પટેલ જૂથ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. જેમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથો વચ્ચે મારામારી થવા પામી હતી. જેમાં બોર્ડમાં તોડફોડ કરવા સહિત લાકડીઓથી મારઝૂડમાં બેને ઇજા પહોંચી હતી.દરમયાન ઉશ્કેરાયેલ ટોળાએ બસ સ્ટેશન વિસ્તારની એક ખાતરની દુકાનને આગચંપી કરતા મામલાએ ગંભીર રૂપ ધારણ કર્યુ હતું. જો કે ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચતા બંને જૂથના ટોળા પોબારા ગણી ગયા હતા. પરંતુ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાનું કળાતું હતું. 
મળતી વિગતોમાં નાવલીમાં ગણેશ મહોત્સવની ઉજવણી અંતર્ગત બસ સ્ટેન્ડ વિસ્તારમાં ક્ષત્રિય સમાજના લગાવવામાં આવેલ બોર્ડે પર ગણેશ મહોત્સવનું બોર્ડ લગાવવાનું નકકી થયું હતું. જેમાં મહોત્સવ પૂર્ણ થયા બાદ તા. રપમીએ બોર્ડ ઉતારી લેવાની વાત નકકી કર્યા બાદ બોર્ડ મૂકાયું હતું. રંગેચંગે ગણેશ મહોત્સવ પૂર્ણ થયો હતો. દરમ્યાન આજે મોડી રાત્રિએ ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોએ ગણેશ મહોત્સવનું બોર્ડની તોડફોડ કરવાનું શરૂ કર્યાનો સંદેશો વહેતો થયો હતો. જેથી પટેલ યુવાઓ સહિત અગ્રણીઓ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા.

(4:58 pm IST)