Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સાણંદ ઓઈલ ચોરી કૌભાંડઃ ભાવનગરના ચિરાગનું નામ ખુલ્યુઃ ૫૦ ટેન્કરથી વધુ ઓઈલ પાઈપલાઈનમાં પંકચર પાડી કાઢી લીધાની કબુલાત

સ્કૂલ સંચાલક અને અન્ય સાથીઓએ મળી પોતાના જ પાર્કિંગમાંથી કારસ્તાન કરેલુઃ ડીવાયએસપી કે.ટી. કામરીયા ટીમની તપાસમાં ધડાકા

રાજકોટ, તા. ૨૬ :. સાણંદના સુરજ મોતી સ્કૂલના સંચાલક અમરીશ પટેલ તથા સાગ્રીતોએ મળી સ્કૂલના પાર્કિંગમાં જ પાર્ક થતા આઈઓસીના ઓઈલ ટેન્કરની આડમાં સાણંદ-સાયલા-મથુરા પાઈપલાઈનમાં પંકચર પાડી બીજો વાલ ફીટ કરી ઓઈલ ચોરી કરવાના કૌભાંડની તપાસ ચલાવી રહેલા ડીવાયએસપી કે.ટી. કામરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, તપાસમાં નવા નવા ફણગા ફુટતા જાય છે. અત્યાર સુધીમાં આરોપીઓની પૂછપરછમાં ૫૦થી વધુ ટેન્કરો જેટલું કરોડો રૂપિયાનું ઓઈલ આરામથી કાવત્રુ રચી ચોરી લીધેલ છે.

ડીવાયએસપી કે.ટી. કામરીયાની તપાસમાં એવુ બહાર આવેલ કે, આ કૌભાંડ ઢંકાયેલુ જ રહેત પરંતુ અંદરોઅંદર ભાગબટાઈમાં વાંધો પડતા સમગ્ર કાવત્રાનો પર્દાફાશ થયો હતો. ઓઈલ ચોરી કેસમાં અત્યાર સુધીમાં ૩ આરોપીઓ પકડાયા છે. બાકી ૪ આરોપીઓને શોધવા પોલીસ ટીમો દોડી રહી છે. ભાવનગરના ચિરાગ નામના શખ્સનું નામ તપાસ દરમિયાન ખુલ્યુ છે. સમગ્ર તપાસમાં અમદાવાદ રૂરલના એસપી આર.વી. અસારીનું માર્ગદર્શન મળી રહ્યુ છે.

અત્રે યાદ રહે કે, સાણંદની સુરજ મોતી સ્કૂલના સંચાલક અમરીશ પટેલ દ્વારા આઈઓસીના વાહનો પાર્ક કરવાનો કોન્ટ્રાકટ રાખવામાં આવ્યો છે. પાર્કિંગમાં જ્યાં ટેન્કરો પડયા હોય તેની પાછળ સાણંદ-સલાયા-મથુરા પાઈપલાઈન પસાર થાય છે. આ લાઈનમાંથી પંકચર પાડી તેમા વાલ બેસાડી અન્ય લાઈન સાથે જોડી કૌભાંડ આચરવામાં આવે છે. ઉકત માહિતી આધારે સત્વરે આઈઓસીને જાણ કર્યા બાદ આરોપીઓ પર સાણંદ પોલીસ ટીમ ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શનમાં ત્રાટકી હતી અને ૩ આરોપીઓ ઝડપાઈ ગયેલા. આરોપીઓ પાસેથી સ્ફોટક કબુલાતો થઈ રહ્યાનું પણ પોલીસ સૂત્રો જણાવે છે.

(4:00 pm IST)