Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દેશ કી પુલિસ કૈસી હો, વડોદરા પુલિસ જૈસી હોઃ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ સમાચાર પાછળના સત્યનું આ છે રહસ્ય

પ્રથમવાર વડોદરામાં ગણપતિ ઉત્સવ-મહોરમ શાંતિથી પૂર્ણ, અનુપમસિંહ ગેહલોત યશ પોતાની ટીમને આપે છે : ૫૦થી વધુ ભયંકર ગુન્હા આચરનાર ડોનને કુકડે-કુક કરાવવાના વિડીયોએ પણ ધૂમ મચાવી છે

રાજકોટ, તા. ૨૬ :. જે શહેરમાં ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રી ઉત્સવ કે પછી મહોરમના તહેવાર શાંતિથી ઉજવાઈ તેવી કલ્પના કરવી પણ અઘરી હતી તેવા અશકય કાર્યને વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે શકય બનાવતા વડોદરાના લોકો અચંબામાં પડી ગયા છે. વડોદરામાં તહેવારો સમયે તોફાન કરવા શેરીઓમાંથી અચાનક પ્રગટ થનારા ઘરમાં પુરાઈ રહ્યા, ગમે ત્યારે કાંકરીચાળો કરી તોફાનો કરાવનારાઓએ પણ ઘરની બહાર નિકળવાથી દૂર રહેવામાં જ ડહાપણ સમજ્યું અને આ બધા કારણોને કારણે ગણપતિ મહોત્સવ, મહોરમ વિગેરે શાંતિથી પૂર્ણ થયા. પોલીસની માફક લોકોએ પણ હાશકારો લીધો.

વડોદરામાં ભૂતકાળમાં વારંવાર કોમી તોફાનોને કારણે સંસ્કારીનગરીની છાપ ભૂંસાઈ જઈ તોફાનીનગરીમાં પલ્ટાઈ ગઈ હતી. કેટલાક રાજકારણીઓની ભૂંડી ભૂમિકા પણ આ માટે કારણભૂત હોવાનો ખુદ હાલ નિવૃત એવા એક અનુભવી આઈબી અધિકારીએ ગાંધીનગરને રીપોર્ટ કરી પરિસ્થિતિ સ્ફોટક હોવાનું અને તાકીદે આ મામલે કાર્યવાહી કરવા જણાવેલુ. વાત આટલેથી અટકતી નથી. ભૂતકાળમાં આ જ વડોદરામાં એક સમયના આતંકવાદી આકા બીન લાદેનના પોસ્ટર સાથે નિકળવાની પણ કેટલાકે હિંમત કરી હતી. ભૂતકાળમાં પણ પોલીસે પગલા તો લીધા જ હતા, પરંતુ આ વખતે જે થયુ તે જોઈ લોકોને પોલીસ તંત્રમાં ફરી વખત વિશ્વાસ બેઠો અને એટલે જ 'દેશ કી પુલિસ કૈસી હો, વડોદરા પુલિસ જૈસી હો..' જેવા નારાઓ સાથેના સંદેશા વહેતા થયા. તેના મૂળમાં ઉકત ઘટનાઓ અને આ વખતે રહેલી શાંતિને કારણે વહેતા થયા છે.

વડોદરામાં તો લોકો તહેવારો આવે ત્યારે ઉત્સાહીત થવાના બદલે નિરૂત્સાહી થતા આના કારણમાં તે તોફાનો જવાબદાર હતા. રાજ્ય સરકાર પણ લાંબા સમયથી આ પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવવા ઈચ્છતી હતી અને આ માટેની પસંદગીની પ્રક્રિયામાં વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતનું નામ ગાંધીનગર સમક્ષ તરવરી ઉઠયુ હતું. ગાંધીનગરની આ પસંદગીના મૂળમાં રાજકોટના કાર્યકાળ દરમિયાન અનુપમસિંહ ગેહલોતે અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી સીધા સરળ અને સજ્જન માણસોની રક્ષા અને માથાભારે તત્વોની હિંમતપૂર્વક જે રીતે ખો ભુલાવી દીધી હતી તે વાતથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પરિચિત હતા. આમ અનુપમસિંહ ગેહલોતની વડોદરા માટે પસંદગીનું કારણ આ પણ હતું.

ઉકત સ્લોગન સાથોસાથ વડોદરામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક શખ્સ કૂકડો બની કૂકડે-કૂક કરી રહ્યો છે. આ શખ્સ બીજુ કોઈ નહિં વડોદરાની અંધારી આલમના ડોન તરીકે જાણીતો અસલમ બોડીયા છે. આ અસલમને જેવા તેવા પોલીસ પકડવાથી પણ દૂર રહેતા. આવા અસલમ બોડીયાને પકડી અને લોકોમાંથી જે રીતે ખોફ દૂર કરવા પ્રયત્નો થયા તેને પણ લોકોએ આવકાર્યા.

(4:35 pm IST)