Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં વિસ્તારોની સંખ્યામાં સતત વધારોઃ અહિંના ૪૩ વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવાયાઃ ખોખરાની કમલાપાર્ક સોસાયટીના ૧૪પ૦ લોકો કે જેઓ ૩૦ મકાનમાં રહે છે તેઓ પણ માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં આવી ગયા

અમદાવાદઃ માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં અહીંના વિસ્તારોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહિંના ૪૩ વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવાયા છે. અહીંના ખોખરાની કમલાપાર્ક સોસાયટીમાં રહેતા ૧૪પ૦ લોકો કે જે ૩૦ મકાનમાં રહે છે તેઓ પણ માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં આવી ગયા છે.

લોકડાઉન બાદ અનલોક કરવાની જાહેરાત થઈ હતી. તે વખતે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ કોરોના સક્રમણને અટકાવવા માટે જે વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધુ હોય તેવી સોસાયટી કે ફલેટના અમૂક વિસ્તારને જ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટમાં મૂકવાનું નક્કી થયું હતું. તેમાં કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ કવોરોન્ટાઇન પણ કરવામાં આવતા હોય છે.

આજે અમદાવાદ શહેરમાં 338 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. તે પૈકી આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 27 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે આ વિસ્તારોને 338 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી બાદ કરીએ તો 311 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો રહ્યા હતા. પરંતુ તેની સામે આજે 43 નવા વિસ્તારોમાં નવા કેસ રિપોર્ટ થયેલા હોવાથી નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. જેમાં ઉત્તર ઝોનમાં 8, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2, પૂર્વ ઝોનમાં 9 તથા દક્ષિણ ઝોનમાં 15, પશ્ચિમ ઝોનમાં 6 તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરાયેલા નવા કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા 27મી ઓગસ્ટથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાન પર આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ પણ લેવામાં આવશે.

(12:56 am IST)