Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૩ પૂર્વ બેંક મેનેજર સહિત ૨૪ સામે સીઆઈડીમાં ફરિયાદ

બીઓબીમાં ૨.૨૭ કરોડની લોનનું કૌભાંડ : CID ક્રાઈમે ૨૪ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધીને પાંચની કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરી તપાસ હાથ ધરી

સુરત, તા.૨૬ : એક તરફ કોરોના વાયરસનો કહેર છે અને તેના કારણે અર્થવ્યવસ્થાને પારવાર નુકશાન થયું છે તેવામાં રાજ્યના આર્થિક પાટનગર સમાન સુરત શહેરમાં બેંક લોન કૌભાંડ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડામાંથી અલગ-અલગ બહાને અને બોગસ ક્વોટેશન પર અલગ-અલગ સ્કીમ હેઠળ લોન લઈને સમય પર નહીં ભરીને છેતરપિંડી કરી છે. જેમાં બેંક તરફથી ત્રણ તત્કાલિન બેંક મેનેજરો અને મહિલાઓ સહિત ૨૪ આરોપીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે સીઆઈડીએ પાંચ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં છે. આ કૌભાંડ ૨.૨૭ કરોડ રૂપિયાનું હોવાનું કહેવામાં આવે છે. આજે જ્યારે સામાન્ય માણસને લૉન જોઈતી હોય ત્યારે પરસેવો પડી જતો હોય છે ત્યારે આ ચકચારી કેસની વિગતો જાણીને આશ્વર્ય થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યાં હતાં.

          આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. બેંક ઓફ બરોડાના નવયુગ કોલેજ શાખાના મેનેજર સંજીવકુમાર પ્રકાશ પ્રસાદે સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સંજીવકુમાર, પ્રમોદકુમાર, શૈલેન્દ્રકુમાર, વિજય હરજી મકવાણા,માધવી સંજય સોજીત્રા,સીયા ચંદુભાઈ સિદ્ધપરા, જયાબેન સુધીર પટેલ,કિંજલ દેવરાજ ભાટિયા,આશા દેવરાજ ભાટિયા,કાજલ પંકજ વાવડિયા,કિરણ રમેશ બોદર,સેજલ કાંતીભાઈ ઇસ્માલિયા,શિવાણી રમેશ વાઘાણી સામે સહિતનાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન છેતરપિંડી કરી સીઆઈડી ક્રાઈમે પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી છે. આરોપી સંજીવકુમાર, પ્રમોદકુમાર અને શૈલેન્દ્રકુમાર બેંકના તત્કાલિન સિનિયર મેનેજર ક્રેડિટ છે. આરોપી નિલેશ કન્સલ્ટિંગ એજન્ટ છે. આરોપી ભરત અકબરી ઝીરો મેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને વીએમ એન્ટરપ્રાઇઝનો પ્રોપ્રાયટર છે. આરોપીઓએ ભેગા મળીને ટીએફઓ મશીન, લુમ્સ મશીન વાઈંડિંગ મશિનરી વોરપિંગ મશીનરીના નામે લોન લઈને તેમાં બોગસ ક્વોટેશન લેટર મૂકીને કુલ ૨.૨૭ કરોડ રૂપિયાની ધિરાણ વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૮ દરમિયાન મેળવીને ભરપાઈ ન કરીને છેતરપિંડી કરી.

               આરોપીઓએ પીએમજીપી અને એસએમઇ યોજના હેઠળ ધિરાણ મેળવી હતી. ઝડપાયેલા પાંચ આરોપીઓ સીઆઈડીએ ઝડપી લીધેલા આરોપીઓમાં (૧) નિલેશ છગનભાઈ વાઘેલા, (ઉ.વ.આ. ૩૮)રહે.ફલેટ નં.ડી ૧૦૨ ગાર્ડનવેલી રેસિડેન્સી, સુદામાચોક-મોટા વરાછા, (૨) વિજયભાઈ હરજીભાઈ મકવાણા ઉ.વ.આ. ૩૪ રહે. ૧૭૫ નંદનવન સોસાયટી, સીંગણપોર કોઝ વે રોડ કતારગામ, (૩) હર્ષદભાઈ નારણભાઈ વસતરપરા(ઉ.વ.આ.૩૬) પ્લોટ નંબર ૨ ગાયત્રી પરીવાર સોસાયટી વિભાગ-૩ બી, કતારગામા મૂળ રહે. ઘુઘરાળા ગામ તા.બાબરા. જી. અમરેલી, (૪)મયુરભાઈ નારણભાઈ વસતરપરા (ઉ.વ.આ.૩૪) પ્લોટ નંબર ૨ ગાયત્રી પરીવાર સોસાયટી વિભાગ-૩ બી, કતારગામા મૂળ રહે. ઘુઘરાળા ગામ તા.બાબરા. જી. અમરેલી,(૫) સંજયભાઈ અમરિસંહભાી ખોખરીયા (ઉ.વ.આ.૩૯) રહે. ૩૧ અંકુર સોસાયટી, એ.કે. રોડ, વરાછા સુરત મૂળ રહે ગુંદાળા(જામ) તા. જસદણ, જિલ્લો રાજકોટ. તમામ આરોપીઓનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે.

(7:49 pm IST)