Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પતિએ ફેંકવાની ધમકી આપતાં પત્નીની પોલીસમાં ફરિયાદ

ગોતા વિસ્તારની ચકચારી ઘટના : અચાનક જ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને બહેન સાથે વાત નહી કરવાનું કહી ઝગડો કરી ઢોર માર મારવામાં આવ્યો

અમદાવાદ, તા.૨૬ : મહિલા હેલ્પલાઇન ૧૮૧ પર એક પરિણીતાએ ફોન કર્યો અને કહ્યું કે, તેનો પતિ તેને ધાબેથી ફેંકી દેવાની ધમકી આપી ઝઘડો કરે છે. જેથી ૧૮૧ની ટીમ ત્યાં પહોંચી અને મહિલાને સોલા પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી. આ મહિલાની પૂછપરછ કરતાં તેણે પોલીસને પોતાની આપવીતી સંભળાવતા જણાવ્યું કે, તેની બહેન સાથે વાત કરવાની ના પાડી અને તેનો પતિ ધાબેથી ફેંકી દેવાની ધમકી આપતો હતો. આટલું જ નહીં અવાર નવાર પતિ ઝઘડા કરી બાપ પાસેથી ગાડી અથવા ગાડીના પૈસા લઈ આવવાનું કહી ત્રાસ ગુજારતો હતો. જેથી પોલીસે મહિલાના આક્ષેપો પ્રમાણે ફરિયાદ નોંધી હતી. ગોતામાં રહેતી એક પરિણીતા ત્યાં જ એક ટાઉનશીપ આવી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા બાદ હાલ તે તેના પતિ, સાસુ અને ત્રણ વર્ષના પુત્ર સાથે રહે છે. લગ્ન બાદ પાંચેક માસ સુધી આ પરિણીતાને તેના સાસરિયાઓ એ સારી રીતે રાખી હતી. બાદમાં તેનો પતિ અને સાસુ અવાર નવાર નાંની બાબતોમાં ઝઘડો કરતા હતા. આટલુ જ નહીં પણ આ પરિણીતાનો પતિ *તારા બાપ પાસેથી ગાડી લઈ આવ નહિ તો ગાડીના પૈસા લઈ આવ* તેમ કહી ત્રાસ આપતો હતો. ગઈકાલે આ પરિણીતા તેની બહેન સાથે વાત કરતી હતી.

તેવામાં જ તેનો પતિ મહેસાણાથી કામ પતાવીને આવ્યો હતો. અચાનક જ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને બહેન સાથે વાત ન કરવાનું કહી ઝઘડો કર્યો અને માર માર્યો હતો. બાદમાં પરિણીતાએ તેની સાસુને આ મામલે ફરિયાદ કરતા ફ્લેટના ધાબેથી ફેંકી દેવાની ધમકી આપી હતી. પરિણીતાએ આ મામલે ૧૮૧ હેલ્પલાઇન ને ફોન કરતા જ પોલીસ ત્યાં આવી અને આ પરિણીતાને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેની પતિ તથા સાસુ સામેની ફરિયાદ નોંધતા સોલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

(7:48 pm IST)