Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોરોનાથી કંટાળીને સુરતના વૃદ્ધે આત્મહત્યા કરી લીધી

આત્મહત્યા કરતા પહેલાં સુસાઈડ નોટ લખી : વરાછમાં રહેતા વૃદ્ધે કોરોના પોઝિટિવ હોવાથી માનસિક તાણમાં હોઈ હીંચકાના હુક પર દુપટ્ટાથી ફાંસો ખાધો

સુરત, તા.૨૬ : સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે કોરોના પોઝિટિવ હોવાથી માનસિક તાણને લઇને આપઘાત કરી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વૃદ્ધે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે હું કોરોનાથી કંટાળી ગયો છું, મારા પરિવારનો આમાં કોઇ વાંક નથી. હાલમાં સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્વીમેર હોસ્પિટલ અને કાપોદ્રા પોલિસ પાસેથી મળતી માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષીય લીલાધરભાઇ બાબુલાલભાઇ વરૂ હાલ નિવૃત જીવન ગુજારી રહ્યા હતા. તેમને સંતાનમાં ૩ પુત્ર છે. જે પૈકી એક પુત્ર દૂબઇમાં છે જ્યારે અન્ય બે પુત્ર મજૂરીકામ કરીને ઘર ચલાવતા હતા. લીલાધરભાઇ પોતાના પુત્રો સાથે સુખી જીવન ગુજારી રહ્યા હતા.

           લીલાધર ભાઇને થોડા દિવસ પહેલાં કોરોના વાયરસના લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસનો રિપોર્ટ કરાવવા ગયા હતા. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવારને હોમ ક્વોરેન્ટાઇન કર્યા હતા. લીલાધરભાઇ વારંવાર માનસિક તાણ અનુભવતા હતા. જેથી પોતાના ઘરે હીચકાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મંગળવારે સવારે પરિવારને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. વધુમાં આ બનાવ અંગે કાપોદ્રા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

લીલાધરને જયા કોરેન્ટાઇન કર્યા હતા ત્યાથી પોલીસને એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હું કોરોનાને કારણે કંટાળી ગયો છું, મારા પરિવારનો આમાં કોઇ વાંક નથી. કોરોના પોઝિટિવ હોવાથી હું આ પગલું ભરું છું.

(7:48 pm IST)