Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જામનગર બાદ હિંમતનગરના હડિયોલ પીએચસીમાં આગ

સારવાર હેઠળના માતા-બાળકને બચાવી લેવાયા : પીએચસીના રૂમમાં આગ લાગતાં દવાખાનામાં ધૂમાડાની અસર : ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો

સાબરકાંઠા, તા.૨૬ : મંગળવારે જામનગરની જી.જી. હૉસ્પિટલમાં આગની ઘટના બાદ આજે એટલે કે બુધવારે હવે સાબરકાંઠાના એક પીએચસીમાં આગની બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે હિંમતનગરના હડિયોલ પીએચસીમાં આગ લાગી હતી. પીએચસીના એક રૂમમાં આગ લાગી જતાં આખા દવાખાનામાં ધૂમાડાની અસર જોવા મળી હતી. સ્ટાફને આ અંગેની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હિંમતનગર ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી જઈને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ-સર્કિટ કહેવામાં આવી રહ્યું છે. અહીં સારવાર લઈ રહેલી એક માતા અને બાળકને બચાવી લેવામાં આવ્યા છે. આગને કારણે રૂમની અંદર સામાન બળી ગયો હતો. જોકે, હૉસ્પિટલ સ્ટાફની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી અને એક માતા અને બાળકને બચાવી લેવાયા હતા. દવાખાનાઓમાં સતત આગના બનાવોએ દર્દીઓ અને તંત્રની ચિંતા વધારી છે.

             મોટા હૉસ્પિટલોમાં તો દર્દીઓ સારવાર લેવા માટે આવવા માટે પણ હવે ફફડી રહ્યા છે. મંગળવારે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકાર હૉસ્પિટલ કહેવામાં આવતી જી.જી. હૉસ્પિટલમાં આગ લાગી હતી. આગને કારણે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ અહીં સારવાર માટે આઈસીસીયુમાં દાખલ નવ દર્દીઓને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડવા પડ્યા હતા. ઇકો કાર્ડિયોગ્રામ રૂમમાં આગ લાગી હતી, જેના કારણે રૂમની અંદર રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અંદર રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. અમદાવાદની હૉસ્પિટલમાં આગથોડા દિવસ પહેલા અમદાવાદની શ્રેય નામની કોવિડ હૉસ્પિટલમાં આગ લાગી હતી. આઈસીયુમાં લાગેલી આગને કારણે અહીં આઠ દર્દીઓ જીવતા જ ભડથું થઈ ગયા હતા. આગને પગલે હૉસ્પિટલમાં સારવારમાં રહેલા ૪૦થી વધારે દર્દીઓને એસવીપી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

(7:46 pm IST)