Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મહેમદાવાદમાં એક જ કોમના બે પાડોશી બાખડ્યા:પાંચ સભ્યોએ મળી ઈજ્જત લૂંટવાની ધમકી આપતા યુવતીએ ફિનાઈલ ગટગટાવ્યું

 મહેમદાવાદ: શહેરના ખાત્રજ દરવાજા વિસ્તારમાં આવેલ લીમડી લાઈનમાં રહેતાં શેખ-પઠાણ પરિવાર વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી અવર-જવરના રસ્તા બાબતે તકરાર ચાલે છે. ગતરોજ સવારના નવ વાગ્યાના અરસામાં શેખ પરિવારની ૧૮ વર્ષીય યુવતિ ઘરે હાજર હતી. તે વખતે તેમના પાડોશમાં રહેતાં સલમાનખાન ઈનાયતખાન પઠાણની પત્ની રીઝવાનબાનુ ગમેતેમ અપશબ્દો બોલી રસ્તેથી અમે અવરજવર કરવાના, તમારાથી થાય તે કરી લેજો, તમારા બાપનો રસ્તો નથી તેવુ બબડતાં હતાં. જેથી યુવતિએ અપશબ્દો બોલવાની ના પાડતાં રીઝવાનબાનું ઉશ્કેરાઈ ગઈ હતી. અને યુવતિ સાથે ઝપાઝપી કરવા લાગી હતી. બુમાબુમ થતાં રીઝવાનબાનુનું ઉપરાણું લઈ સલમાનખાન ઈનાયતખાન પઠાણ, ઈનાયતખાન બિસ્મીલ્લાખાન પઠાણ, રસીદાબાનું ઈનાયતખાન પઠાણ અને ફતીયો પઠાણ ઘર બહાર દોડી આવ્યાં હતાં. અને પાંચેય જણાં ભેગા મળી યુવતીને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. સલમાનખાન પઠાણે ઉશ્કેરાઈ જઈ યુવતિનાં કપડાં ફાડી નાંખ્યાં હતાં. આસપાસ લોકોનું ટોળુ ભેગુ થઈ જતાં પઠાણ પરિવારના પાંચેય સભ્યો ઘર તરફ જવા લાગ્યાં હતાં. અને જતાં-જતાં યુવતિને બહારથી માણસો બોલાવી ઈજ્જત લૂંટાવાની ધમકીઓ આપી હતી.

પાડોશી પઠાણ પરિવાર દ્વારા અપાયેલી ધમકીઓથી યુવતિ ગભરાઈ ગઈ હતી. અને તેણીએ ફિનાઈલ ગટગટાવી દીધું હતું. જે બાદ રહેનુમાબાનુની તબિયત લથડી હતી. દીકરીએ ફિનાઈલ પીધુ હોવાની જાણ તેણીના માવતરને થતાં તેઓ પુત્રીને સારવાર માટે મહેમદાવાદના સરકારી દવાખાને લઈ ગયાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે યુવતિને અમદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે રહેનુમાબાનુ આરીફમીયાં શેખે પાડોશી પરિવારના રીઝવાનબાનુ સલમાનખાન પઠાણ, સલમાનખાન ઈનાયતખાન પઠાણ, ઈનાયતખાન બિસ્મીલ્લાખાન પઠાણ, રસીદાબાનુ ઈનાયતખાન પઠાણ અને ફતીયો પઠાણ સામે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે પાંચેય વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:11 pm IST)