Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મોડાસામાં લોખંડના તાર પર સુકવેલ કપડાં લેવા જતા શિક્ષકને વીજ કરંટ લાગતા મૃત્યુ:પત્ની-બાળકોનો આબાદ બચાવ

મોડાસા:શહેરમાં નાલંદા- સોસાયટીમાં રહેતાં શિક્ષક દંપતીને બાજુના મકાન પાસે પતરાના શેડ નીચે લોખંડના તાર ઉપર કપડા સૂકવેલ હોઈ તે લેવા જતાં ત્યારે વીજ કરંટ લાગ્યો હતો.શિક્ષકને વીજ કરંટ લાગતા તેઓ પટકાઈ ગયા હતા અને તેઓને બચાવવા જતાં તેમની પત્ની અને પુત્ર ને પણ વીજ કરંટ લાગ્યો હતો.જેમાં શિક્ષક પતિનું વીજ કરંટ લાગવાથી ઘટના સ્થળે મોત થયું હતું.જયારે માતા-પુત્રનો આબાદ બચાવ થયો હતો. આશાસ્પદ શિક્ષકે વીજ કરંટથી જીવ ગુમાવતાં શિક્ષણ આલમમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. મોડાસા નગરની નાલંદા- સોસાયટીમાં રહેતા અને મોડાસા પ્રાથમિક શાળા નં. માં મૌલિકભાઈ ગીરીશભાઈ પટેલ અને તેમની પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

સોમવારના રોજ સાંજના સુમારે તેમના બાજુના મકાનની પાછળ આવેલા પતરાના શેડ નીચે લોખંડના તારમાં વીજ પ્રવાહ ઉતર્યો હતો.તે દરમ્યાન તાર ઉપર સુકવેલ કપડા લેવા જતાં વીજ કરંટ લાગ્યો હતો.જેથી તેઓએ બુમો પાડતાં તેમના પત્ની અને પુત્ર દોડી આવ્યા હતા.અને મૌલીકભાઈને બચાવવા જતાં પત્ની અને પુત્રને પણ વીજ કરંટ ની અસર થઈ હતી.વીજ કરંટ લાગવાની ઘટનાના પગલે આજુબાજુથી લોકો દોડી આવી શિક્ષક દંપતીને તાબડતોડ નજીક આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.પરંતુ ફરજ પરના તબીબે મૌલિકભાઈ ગીરીશભાઈ પટેલને મૃત જાહેર કરતાં પરિવારજનો પર આભ તૂટી પડયું હતું.

(6:07 pm IST)