Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુરતના અડાજણ વિસ્તારમાં ગેસ કંપની નજીક પાર્ક કરેલ કારમાંથી બે ગઠિયા 55 હજારની કિંમતના બે મોબાઈલ તફડાવી છૂમંતર....

સુરત: અડાજણ ગુજરાત ગેસ કંપની પાસે કાર પાર્ક કરી ઉભેલા હજીરાની ઓએનજીસી કંપનીના નિવૃત એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરને બે ગઠિયાઓએ એક પછી એક બે બાજુના કારના કાચ ખોલાવી બેધ્યાન કરી રૂા. 55 હજારની કિંમતના 2 મોબાઇલ ફોન તફડાવીને ફરાર થઇ ગયા હતા.

               પીપલોદ સ્થિત રાજહંસ સિનેમા નજીક તિરૂપતી નગરમાં રહેતા હજીરાની ઓએનજીસી કંપનીના નિવૃત એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર સુધીરકુમાર શ્રીરાજેશ્વરપ્રસાદ પાઠક (.. 62) ચાર દિવસ અગાઉ કામ અર્થે અડાજણ ગામ સ્થિત ગુજરાત ગેસ કંપનીમાં આવ્યા હતા. તે અડાજણ ગામ ચાર રસ્તા પાસે પ્રેમ ખમણની સામે કાર પાર્ક કરી ઉભા હતા ત્યારે એક યુવાન આવ્યો હતો અને કારની ડાબી બાજુના દરવાજા ખખડાવી કાચ ખોલાવ્યો હતો. અરસામાં એક યુવાન કારની ડ્રાઇવીંગ સીટ તરફ આવી દરવાજો ખખડાવતા સુધીરકુમારે દરવાજાનો કાચ પણ ખોલ્યો હતો. એક પછી એક કારના આગળના દરવાજાના બંન્ને કાચ ખોલાવી ગઠિયાઓ ડાબી બાજુની સીટ પર મુકેલા સેમસંગ કંપનીના 2 ફોન કિંમત રૂા. 55 હજારની મત્તાના તફડાવીને ફરાર થઇ ગયા હતા. ગુજરાત ગેસ કંપનીમાં કામ પતાવ્યા બાદ સુધીરકુમાર ઘરે પહોંચ્યા ત્યારે મોબાઇલ ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું અને તેઓ બીજા દિવસે પરત અડાજણ આવ્યા હતા અને પ્રેમ ખમણના સીસીટીવી ફૂટેજ જોતા તેમાં બે ગઠિયાએ ચાલાકી પૂર્વક કાચ ખોલાવી બેધ્યાન કરી મોબાઇલ તફડાવ્યાનું નજરે પડતા અડાજણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

(6:05 pm IST)