Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમદાવાદમાં PIએ 45 લાખ પડાવ્યાની અરજી બાદ બિલ્ડર સામે રેપનો ગુનો!

રેપની ફરિયાદથી બચવું હોય તો રૂ.1 કરોડ આપવા પડશે તેવું કહેવાયેલ: બિલ્ડરની પત્નીએ જમીન કાંડની ફરિયાદ, કરી તો આરોપીની પત્નીની રેપની ફરિયાદ

અમદાવાદ: પીએસઆઈ (PSI) શ્વેતા જાડેજા સ્ટાઈલથી કૃષ્ણનગર પીઆઈ અને વહીવટદાર દ્વારા કરવામાં આવેલા રૂ.45 લાખના તોડ (bribe)ની ચર્ચાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો છે. વાત આટલેથી ના અટકતા બીજા રૂ.25 લાખ પડાવવા માટે રચાયેલા કારસામાં સમગ્ર તોડ પ્રકરણ બહાર આવ્યું હતું. બિલ્ડરે પોલીસ કમિશનરને અરજી કરી રેપ કેસથી બચવું હોય તો 1 કરોડની માંગણી પીઆઈએ કર્યાનો આક્ષેપ કર્યો હતો.જેમાં પીઆઈએ અમારે CP અને ડીસીપીને આપવાના હોય છે તેમ જણાવ્યું હતું.

આ મામલે  70 લાખમાં પતાવટ થયા બાદ 45 લાખ ચૂકવ્યાની અને બીજા 25 લાખ પડાવવા માટે આરોપીઓ હેરાન કરતા હોવાની લેખિત અરજી કરી હતી. આ અરજી કર્યા બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર વિરુદ્ધ રેપ (RAPE)નો ગુનો નોંધાયો અને અટક પણ કરી લેવાયો છે. બિલ્ડરની પત્નીએ જમીનકાંડની ફરિયાદ આરોપીઓ વિરુદ્ધ નોંધાવી બાદમાં એક આરોપીની પત્નીએ બિલ્ડર વિરુદ્ધ રેપની ફરિયાદ કરી હતી.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ધીરુભાઈ ભંડારી સહિત ત્રણ જણા વિરૂધ્ધ ગત તા.19મીના રોજ મહિલાએ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં કૃષ્ણનગર પોલીસે સુનિલ ભંડારીને અટક કરી કોવિડ રિપોર્ટ આવે ત્યાં સુધી નજર હેઠળ રાખ્યા છે.

ભંડારીએ CPને અરજી કરી બાદમાં રેપની ફરિયાદ

સુનિલ ભંડારીએ પોલીસ કમિશનરને લેખિત અરજી બપોરે પોસ્ટ કરી તે જ દિવસે રાત્રે તેઓ વિરુદ્ધમાં રેપની ફરિયાદ નોંધાઈ હતી.

અરજીમાં કૃષ્ણનગર પીઆઈ સહિત ચારના નામ

સુનિલ ભંડારીએ કરેલી અરજીમાં કૃષ્ણનગર પીઆઈ જે.એ.રાઠોડ,વહીવટદાર કૃપાલસિંહ,રેપની ફરિયાદી મહિલા અને તેના પતિના નામ હતા.

અરજીમાં શું જણાવ્યું?

અરજી ભંડારીએ આક્ષેપ કર્યો હતો કે, જમીન કાંડ અંગે તેમની પત્નીએ ફરિયાદ નોંધાવી જેમાં પાયલ (નામ બદલ્યું છે)ના પતિનું નામ આરોપી તરીકે છે. પાયલના પતિને પોલીસે પકડયો તે જ દિવસે પીઆઈએ પાયલની ફરિયાદ આધારે સુનિલ વિરુદ્ધ છેડતીની ફરિયાદ અરજી લીધી હતી.સુનિલે પોતાની વિરૂધ્ધ પાયલની ફરિયાદ અંગે વાત કરતા પીઆઈ રાઠોડે તમારે મને એક કરોડ આપવા પડશે અમારે CP, DCPને વ્યવહાર કરવો પડે તેમ કહ્યું બાદમાં આજીજી કરતા 70 લાખમાં મામલો પત્યો હતો.

તે પછી ડી માર્ટની ગલીમાં પીઆઈ રાઠોડ અને વહીવટદાર કૃપાલસિંહએ સુનિલ ભંડારી પાસે 45 લાખ ગત તા. 20 જુલાઈએ લીધા હતા.બાકીના રૂ.25 લાખ માટે મળતીયાઓ પાસે અવારનવાર ફોન કરાવતા હતા. પીઆઈએ સુનિલની પત્ની ભૂમિબહેનએ કરેલી જમીનની ફરિયાદમાં આરોપીઓ જોડે મેળાપીપણું કરી કોઈ કાર્યવાહી કરી નહીં. સુનિલ પોલીસને બે આરોપીના ઘરે લઈ ગયો જ્યાં આરોપી હાજર હોવા છતાં પકડ્યા ન હતા. જ્યારે પાયલના પતિની અટક કર્યા બાદ જવા દીધો અને ડોક્યુમેન્ટનો નાશ કર્યો હતો.

ભૂમિબેનનો પોલીસે પતિને ફસાવ્યાનો આક્ષેપ કર્યો

સુનિલ ભંડારી વિરૂધ્ધ અગાઉ પાયલે 2019માં અરજી કરી હતી. આ મામલે સમાધાન થતાં અરજી દફતરે થઈ હતી.તે જાણવા છતાં પીઆઈ રાઠોડ,વહીવટદાર કૃપાલસિંહ, પાયલ અને તેના પતિએ પૈસા પડાવવા મારા પતિ સુનિલ ભંડારીને ખોટા રેપ કેસમાં ફસાવ્યા છે. 45 લાખ ચૂકવ્યા બાદ પીઆઈ રાઠોડ વધુ પૈસાની માંગણી કરતા અને અમારી જમીન લખાવવા માંગતા હતા. આથી મારા પતિએ ગત તા.19મીએ પોલીસ કમિશનરને અરજી પોસ્ટ કરી હતી.બપોરે અરજી કરી રાત્રે મારા પતિ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાઈ હતી. પાયલે મારા પતિ પર ખોટા આક્ષેપ કર્યા બાદ 2019માં સમાધાન કર્યું જે પેટે અમે 35 લાખ ચૂકવ્યા હતા. દફતરે થયેલી એ જ અરજી પીઆઈ રાઠોડએ ઓપન કરાવી રેપનો ગુનો નોંધ્યો છે.

સેકટર 2ના એડી.સીપી ગૌતમ પરમારે જણાવ્યું કે, બિલ્ડર સુનિલ ભંડારીએ પીઆઈ સહિતના લોકો વિરૂધ્ધ અરજી કર્યાનું મારા ધ્યાન પર આવ્યું છે. જોકે અરજી હજુ મારી પાસે આવી નથી. સુનિલ ભંડારીએ પોતાની અરજીમાં આક્ષેપ કર્યો છે કે, અમારી જમીન અને પૈસા પડાવાના કારસારૂપે આરોપીઓ સાથે પીઆઈ રાઠોડ અને વહીવટદારની મિલિભગત છે. આથી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઈએ.

(5:29 pm IST)