Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગુજરાત રાજ્‍યમાં છેલ્લા 24 કલાકમાં 144 તાલુકાઓમાં વરસાદઃ બનાસકાંઠાના ભાભર તાલુકામાં 3 ઇંચ-વાવમાં અઢી ઇંચ પડયો

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ભાભર તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસ્યો છે. કચ્છના લખપતમાં પોણા ત્રણ ઈંચ વરસાદ થયો છે. બનાસકાંઠાના વાવમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ધાનેરા, દિયોદર અને લાખેણી તાલુકામાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 17 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસા વરસ્યો છે અને રાજ્યના 43 તાલુકા એવા છે જ્યાં અડધા ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને વર્તમાનમાં પડી રહેલા વરસાદ વચ્ચે રાહત કમિશનર હર્ષદ પટેલે ગઇકાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે 136 ડેમો હાઈ એલર્ટ પર છે.

જ્યારે 16 ડેમને એલર્ટ કરવામાં આવ્યા છે અને 12 ડેમ એવા છે જે વોર્નિંગ સ્ટેજ પર છે. ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમ 70 ટકા ભરાયો છે. 1 લાખ 56 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ હતી. સરદાર સરોવર ડેમ ઉપરાંત રાજ્યના અન્ય 205 જળાશયો પણ 74 ટકા ભરાઈ ચુક્યા છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં 77 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે 175 તળાવ ઓવરફ્લો થયા છે. વરસાદમાં 55 નદીઓ પણ ઓવરફ્લો થઇ છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે છેલ્લા 2 દિવસમાં વિવિધ સ્થળો પર બચાવ કામગીરીમાં 366 રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. NDRFની રાજ્યમાં હાલ 13 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે 3 ટિમો રિઝર્વ રાખવામાં આવી છે. NDRFની 2 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે હવામાન ખાતાએ માત્ર 29 અને 30 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે. બાકીના દિવસો દરમિયાન મધ્યમ વરસાદ રહેશે. જેથી વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

(4:52 pm IST)