Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્રારા ઇન્ડકશન સેરેમની યોજાઇ

તા.- ૧લી સપ્ટેમ્બરથી દેશનાં પ્રથમ ગૃહમંત્રી સરદાર સાહેબની પ્રતિમા સ્થળની સુરક્ષા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) સંભાળશે- સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદાર, મનોજ કોઠારી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષા દળ દ્રારા પરીસરની સુરક્ષા સંભાળતા પહેલા સુરક્ષાની જવાબદારી સ્વિકાર સમારંભ(ઇન્ડક્શન સેરેમની) યોજાયો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદાર અને જીલ્લા કલેકટર મનોજ કોઠારીની અધ્યક્ષતામાં યોજાયેલ આ ગૌરવપૂર્ણ સમારંભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી આજથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપાઇ હતી.

આ સાદગીભર્યા અને દેશદાઝથી ભરપૂર વાતાવરણમાં વડોદરા રેન્જ આઇજીપી હરીકૃષ્ણ પટેલ,કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)નાં કમાન્ડન્ટ વી.કે.કક્કડ, જીલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વીલીયમ,પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં અધિકારીઓ અને નર્મદા નિગમ તેમજ જીલ્લા વહીવટીતંત્રનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહીવટદાર અને જીલ્લા કલેકટર મનોજ કોઠારીએ જણાવ્યુ હતુ કે,એકતા નગરી કેવડીયા ખાતે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા કે જે સમગ્ર વિશ્વમાં ભારતની એકતા નું પ્રતિક સાબિત થયુ છે,આ પવિત્ર સ્થળે વિશ્વભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. વધુમાં અત્રે અનેક પ્રવાસીય આકર્ષણો સરકાર દ્રારા બનાવવામાં આવ્યા છે,જેનાં કારણે ગુજરાત પોલીસે કાયદો વ્યવસ્થા ઉપરાંત સુરક્ષાની બેવડી જવાબદારી સુપેરે પાર પાડી છે,તે ખરા અર્થમાં સરાહનીય છે.આ તમામ બાબતોને લક્ષમાં લઇને રાજય સરકાર દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળને સોંપવા માટે કેન્દ્રીય ગૃહ વિભાગને દરખાસ્ત કરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર સ્થળ પર સુરક્ષાની મહત્વતા જોતા કેન્દ્રીય ગૃહ વિભાગે ખુબ જ ટુંકા સમયમાં જ રાજય સરકારની દરખાસ્તને ગ્રાહ્ય રાખી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળને સુરક્ષા સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને કોઠારીએ વધાવ્યો હતો.તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, અત્રે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળનાં ૨૭૨ જવાનો ફરજ બજાવશે.આજે યોજાયેલ સુરક્ષાની જવાબદારી સ્વિકાર સમારંભ(ઇન્ડક્શન સેરેમની)માં કોઠારી એ CISFનાં કમાન્ડન્ટ વી.કે. કક્કડને સાંકેતિકરૂપે સુરક્ષાની જવાબદારી સોંપી હતી.

આ પ્રસંગે વડોદરા રેન્જ આઇજીપી હરીકૃષ્ણ પટેલ અને જીલ્લા પોલીસ અધિક્ષક-નર્મદા હિમકરસિંહે પ્રાસંગિક પ્રવચન રજુ કર્યા હતા.

આ પ્રસંગે CISFનાં કમાન્ડન્ટ વી.કે.કક્કડે પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, વર્ષ ૧૯૬૪માં CISFની સ્થાપનાં સરકારી જાહેર સાહસો અને હવાઇમથકો સહીત મહત્વનાં સ્થાનોની સુરક્ષા કરવા માટે કરવામાં આવી હતી,ઉપરોકત તમામ સ્થળોએ CISF દ્રારા ઉચ્ચ કોટીનાં માપદંડ સાથે સુરક્ષા વ્યવસ્થા સંભાળી છે.ત્યારે આવનાર સમયમાં એકતાનાં પ્રતિક સમાન આ સ્થળની CISF દ્રારા પુરતી કાળજી સાથે સુરક્ષાની જવાબદારી સુપેરે નિભાવશે તેવી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય વહીવટદાર અને જીલ્લા કલેકટર મનોજ કોઠારી તેમજ રેન્જ આઇજીપી હરીકૃષ્ણ પટેલનાં આગમન પર ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરાયા હતા.તેમજ શ્રી કોઠારીએ CISFનો ધ્વજ લહેરાવીને સલામી આપી હતી.ગૌરવપૂર્ણ સમારોહનાં મધ્યાહને CISF જવાનો દ્રારા શોર્ય અને સાહસભર્યા કરતબોનું નિદર્શન કરાયુ હતુ.ખાસ કરીને CISF ડોગ સ્ક્વોર્ડની ડ્રીલે ઉપસ્થિત મહાનુભાવોનાં દીલ જીત્યા હતા.

સમારોહનાં અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નાયબ મુખ્ય વહીવટદાર નિલેશ દુબેએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો અને ખાસ કરીને સ્થાનિક નર્મદા પોલીસ અને રાજય અનામત પોલીસ દળ -નર્મદા બટાલીયન,કેવડીયા કોલોની નાં અધિકારીઓ તેમજ કર્મચારીઓનો તેઓની ફરજ પરસ્તી બદલ ઋણ સ્વિકાર કર્યો હતો.

(4:37 pm IST)